(એજન્સી) તા.૧૮
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ગઇકાલે રાત્રે હળવો તાવ આવતા તેમને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ તાજેતરમાં કોરોના વાઇરસની મહામારીનો ભોગ બન્યા હતા અને હોસ્પિટલમાં સારવાર લઇને સાજા થઇને ઘરે પાછા ફર્યા હતા. હાલ તે કોમ આઇસોલેશનમાં હતા. એઇમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાની આગેવાની હેઠળ ડોક્ટરોની એક ટીમ તેમના ઉપર સંપૂર્ણ દેખરેખ રાખી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રીને ગઇકાલે રાત્રે બે વાગ્યે હળવા તાવના લક્ષણો જોવા મળતા તેમને તાત્કાલિક એઇમ્સમાં દાખલ કરી દેવાયા હતા જ્યાં તેમને જૂના પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. યાદ રહે કે ગત ૧૪ ઓગસ્ટના રોજ અમિત શાહની કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે પોતે ટિ્વટ કરીને જાણકારી આપી હતી કે હવે તેમનો કોરોનિ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે સાથે તેમણે તમામ શુભેચ્છકોનો આભાર પણ માન્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. જો કે ગઇકાલે રાત્રે તેમને એકાએક તાવ ચડી જતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા. અમિત શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગત ૨ ઓગસ્ટના રોજ તે મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. અમિત શાહે પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી પણ પોતે જ ટિ્વટ કરીને આપી હતી અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ પોતાનો રિપોર્ટ કરાવી લેવાની સલાહ આપી હતી. મેદાંતા હોસ્પિટલમાં ૧૨ દિવસની સારવાર બાદ ગત ૧૪ ઓગસ્ટના રોજ તેમને રજા આપવામાં આવી હતી.