(એજન્સી) રાયપુર, તા.૧૮
છત્તીસગઢના રાયપુર પોલીસમાં એક સ્થાનિક પત્રકારે સોશિયલ મીડિયા ફેસબુકના ભારત ખાતેના નીતિ નિર્દેશક અંખી દાસ અને બે અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી. રાયપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી અજય યાદવે જણાવ્યું હતું કે, રાયપુર સ્થિત એક સમાચાર ચેનલના પત્રકાર આવેશ તિવારીએ કબીર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંખી દાસ, મુંગેલી નિવાસી રામ સાહુ અને મધ્યપ્રદેશના ઈન્દોરના વિવેક સિન્હા સામે ફરિયાદ નોંધાવી હતી. યાદવે જણાવ્યું હતું કે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે. તિવારીએ દાસ સામેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અખબારમાં અંખી દાસ અને ફેસબુક વિશે અહેવાલ પસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે, અંખી દાસે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્કીય હિતો માટે ફેસબુક પર કરવામાં આવેલી હેટ પોસ્ટ નહીં હટાવવા માટે પોતાના કર્મચારીઓ પર દબાણ કરતા હતા. અંખી દાસનું માનવું હતું કે, નફરતપૂર્ણ પોસ્ટ દૂર કરવાથી કેન્દ્ર સરકાર સાથેના સંબંઘો ખરાબ થશે.
ફરિયાદમાં જણાવાયું હતું કે, આ અહેવાલ બાદ સિન્હા અને સાહુ દાસનો બચાવ કરી રહ્યાં છે. તેમના બચાવમાં કહેવામાં આવ્યું હતું કે, દાસ હિન્દુ છે માટે હિન્દુઓના હિતની વાત કરે છે. બીજી તરફ રામ સાહૂ નામના શખ્સે સોશિયલ મીડિયા પર અશ્લીલ અને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરતી પોસ્ટ વાયરલ કરી હતી. આ બન્નેએ તિવારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અગાઉ અંખીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને બળાત્કાર અને જાનથી મારવાની ધમકી મળી રહી છે. દાસે ફરિયાદમાં રાયપુરના તિવારીના નામનો ઉલ્લેખ કર્યો હતો. તિવારીએ પણ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને અંખી દાસના નામથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તિવારીએ જણાવ્યું હતું કે, અંખી દાસ, રામ સાહૂ, અને વિવેક સિન્હા મળીને ધાર્મિક ઉન્માદ ફેલાવી રહ્યા છે. અન્ય એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, શશિ થરૂરના નેતૃત્વવાળી સંસદીય સમિતિ ફેસબુકને સમન્સ પાઠવવાનું વિચારી રહી છે.