(સંવાદદાતા દ્વારા)
પાટણ,તા.ર૮
પાટણમાં વરસાદ બાદ માર્ગો બીસ્માર બન્યા છે અને ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. હાલ શહેરમાં કેટલાક માર્ગો એટલી હદે ખખડપંચમ બન્યા છે કે, વાહન ચાલકો આ માર્ગો પરથી પણ થઈ શકતા નથી અને હિંમત કરી પસાર થાય તો વાહન નુકસાનગ્રસ્ત બને છ. બે દિવસ અગાઉ બુકડીથી જુના પાવર હાઉસ તરફ જતા માર્ગો પર ચાલુ વરસાદે પસાર થઈ રહેલ માલવાહક ઓટોરિક્ષા ખાડામાં પટકાઈ નમી પડતાં અંદર રહેલો માલ-સામાન તથા રિક્ષા નુકસાનગ્રસ્ત બની હતી. તો મુસાફરો ભરેલી રિક્ષા અને સ્કૂટર પણ આજ માર્ગ પર ખાડામાં પટકાઈ પલ્ટી મારતા કેટલાકને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારે આ માર્ગ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માગણી આ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષ કોંગ્રેસના નેતા ભરત ભાટિયાએ કરી છે અને બે દિવસમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ચીફ ઓફિસર અને પ્રમુખનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે.