સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા જેવા રાજકીય પક્ષોએ બ્રાહ્મણોની કફોડી સ્થિતિને
બુલંદ વાચા આપીને બ્રાહ્મણોને તેમનું સ્વરક્ષણ કરવા માટે શસ્ત્રો આપવા માગણી કરી છે
(એજન્સી) તા.૨૮
ભારતીય રાજનીતિમાં અજીબોગરીબ ઘટના જોવા મળી રહી છે. સામાન્યતઃ કોમવાદ, ગરીબી, દલિતોના અધિકારો, શ્રમિકો અને કિસાનોના મુદ્દાઓ જેવા સામાન્ય હિતના મુદ્દાઓ સામે લડવા માટે રાજકીય પક્ષો સંગઠિત થતાં હોય છે, પરંતુ હવે તેમને સંગઠિત થવા માટે એક નવુ પરિબળ હાથ લાગ્યું છે. આ રાજકીય પક્ષો હવે બ્રાહ્મણોની વોટ બેંકને જાળવવા માટે ઉ.પ્ર.માં બ્રાહ્મણોની વિકટ અને કફોડી સ્થિતિ સામે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ, બસપા જેવા વિપક્ષો સંગઠિત થયાં છે. આમ ઉ.પ્ર.ના પીડિત બ્રાહ્મણોના મુદ્દે વિપક્ષોમાં હવે તેમની મદદ કરવાની એક ગ્રંથી ઊભી થઇ છે અને હવે બ્રાહ્મણો પોતાનું રક્ષણ કરવા માટે શસ્ત્રો આપવાની માગણી કરી રહ્યાં છે. ઉ.પ્ર.ના બ્રાહ્મણ મતદારોને પણ આ વાત સમજાઇ ગઇ છે અને તાજેતરમાં શક્તિશાળી બ્રાહ્મણ એવા ગેંગસ્ટર વિકાસ દુબેની હત્યા બાદ વધુ બુલંદ બની ગયાં છે. એવામાં ગૌરક્ષક સંઘના પદાધિકારી નમન પંડિતે બ્રાહ્મણોકો બિમા નહીં ચાહીએ, હથિયાર ચાહીએ તાકી અપની સુરક્ષા વો સ્વયં કરલે એવું ટ્વીટ કર્યુ છે. નમન પંડિતે એવું પણ જણાવ્યું છે કે ઉ.પ્ર.હવે બ્રહ્મહત્યા પ્રદેશ બની ગયો છે કે જ્યાં બ્રાહ્મણોની હત્યા કરવામાં આવી રહી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨માં છે પરંતુ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજનસમાજ પાર્ટી જેવા વિપક્ષો જાણે છે કે અત્યારથી જ મજબૂત આધાર ઊભો કરવાનો આ સમય છે. દરમિયાન બ્રાહ્મણો હવે એવો દાવો કરી રહ્યાં છે કે ભાજપ સરકાર દ્વારા તેમને ભોગ બનાવવામાં આવી રહ્યાં છે. બ્રાહ્મણોના અવાજે બસપાના નેતા માયાવતી પણ તેમની વહારે આવ્યાં છે અને માયાવતીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમુદાય ભાજપની જ્ઞાતિવાદી પદ્ધતિથી નારાજ છે. માયાવતીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમુદાયના સભ્યો ભાજપમાંથી છૂટા થઇને બસપામાં જોડાઇ રહ્યાં છે. માયાવતીના જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણો અત્યંત બુદ્ધિશાળી હોય છે અને તેઓ ગેરમાર્ગે દોરાશે નહીં. આમ ઉ.પ્ર.માં બ્રાહ્મણોના ઉત્પીડનના કારણે વિપક્ષોમાં તેમના તારણહાર તરીકેની ગ્રંથિ ઊભી થઇ છે. હવે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા જેવા રાજકીય પક્ષોએ બ્રાહ્મણોની કફોડી સ્થિતિને બુલંદ વાચા આપીને બ્રાહ્મણોને તેમનું સ્વરક્ષણ કરવા માટે શસ્ત્રો આપવા માગણી કરી છે.