(એજન્સી) તા.૨૯
વિવાદાસ્પદ સરહદી પ્રદેશ અંગે નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો છે ત્યારે ભારત અને બ્રિટનને ગુરખા સૈનિકોની ભરતી કરવા માટે મંજૂરી આપતો ૧૯૪૭નો કરાર હવે નિરર્થક બની ગયો છે એવું નેપાળના વિદેશ પ્રધાન પ્રદિપકુમાર ગ્યાવલીએ તાજેતરમાં નિવેદન કરતાં બંને પડોશીઓને વધુ એક નવો આંચકો લાગ્યો છે.
ગ્યાવલીએ ૩૧, જુલાઇના રોજ નેપાળ ઇન્સ્ટીૂટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ રીલેશન્સ દ્વારા આયોજિત ઓનલાઇન વાર્તાલાપ દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેની આ સંધિ હવે ભૂતકાળનો એક વારસો બની ગઇ છે. ભારતમાં સાત રેજીમેન્ટમાં ૩૫૦૦૦ જેટલા નેપાળી નાગરિકો હાલ ફરજ બજાવે છે અને તેમાંના કેટલાકને હાલ પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની સંવેદનશીલ સરહદો પર તૈનાત કરવામાં આવ્યાં છે.
ભારતીય આર્મી દર વર્ષે ૧૩૦૦ જેટલા ગુરખા યુવાનોની ભરતી કરે છે જ્યારે બ્રિટીશ આર્મી અને સિંગાપોર પોલીસ માટે દર વર્ષે ૨૦૦થી વધુ ગુરખાઓની નિમણૂંક કરે છે. એન્ગ્લો નેપાલ યુદ્ધ બાદ નેપાળમાંથી આ ભરતી શરૂ થઇ હતી. દાયકાઓ બાદ ભારતના ફિલ્ડ માર્શલ સેમ માણેકશાહે જાહેર કર્યુ હતું કે જ્યારે કોઇ વ્યક્તિ એમ કહે કે તેને મરવાનો ડર લાગતો નથી ત્યારે તે વ્યક્તિ કાંતો જૂઠુ બોલતી હોય છે અથવા ગુરખા હોય છે. ભારતની સ્વતંત્રતા બાદ નેપાળ, બ્રિટન અને ભારતે ત્રિપક્ષીય કરાર અને સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં જે નેપાળી નાગરિકોની પોતાના સૈન્યમાં નિમણૂંક કરવાની મંજૂરી આપે છે. કાઠમંડુ હવે આ જૂની સંધિ પર પુનઃ વાટાઘાટ કરવા માગે છે અને તેના સ્થાને પ્રત્યેક દેશ સાથે વ્યક્તિગત સંધિ કરવા માગે છે કારણ કે વર્તમાન સંધિ નેપાળને વિદેશી સૈન્યમાં પોતાના નાગરિકોની ભરતીમાં કોઇ ભૂમિકા ભજવવા દેતું નથી. ગ્યાવલીએ જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયામાં નેપાળ સરકારની ભૂમિકા હોવી જોઇએ.