(એજન્સી) તા.૨૯
કોરોના વાયરસ લોકડાઉને પહેલેથી જ અનેક મુશ્કેલીઓ અને દુઃખ-દર્દનો સામનો કરી રહેલ ગાઝામાં લોકોની યાતનામાં ઉમેરો કર્યો છે. ગાઝાપટ્ટીમાં રહેતાં બે સંતાનોના પિતા અહેમદ આયશા આમ પણ રોજના ૭ ડોલરમાં બે છેડા ભેગા કરવા ઝઝૂમી રહ્યાં હતાં. આ ઉપરાંત તેમને વારંવાર વીજ કાપનો સામનો કરવો પડતો હતો અને તેમને ચિંતા હતી કે હવે બીજુ યુદ્ધ ફાટી નીકળશે.
એવામાં આ ગરીબ પેલેસ્ટીની પ્રદેશમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો. ઇઝરાયેલ જ્યારે ગાઝાના હમાસ શાસકો સાથે મડાગાંઠમાં પોતાની નાકાબંધી વધુ કડક કરી રહ્યું હતું અને સાથે સાથે લોકડાઉનનો પણ કઠોર અમલ કરવામાં આવતા દરેકને ઘરે જ રહેવું પડ્યું હતું. અહમદ આયશાને ચિંતા એ છે કે હવે તે પોતાના પરિવારને ખવડાવશે કઇ રીતે ? મારી પાસે બચત નથી અને મારી પાસે નોકરી પણ નથી. આથી કોઇ મને ઉધાર આપશે નહીં અને હું કોઇની પાસે ભીખ માગી શકું તેમ નથી. આમ ગાઝાપટ્ટીમાં કોરોના વાયરસ લોકડાઉને પહેલેથી જ અનેક મુસીબતોનો સામનો કરી રહેલા લોકોની પીડા અને યાતનામાં ભારે વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં હરીફ પેલેસ્ટીની દળો પાસેથી હમાસે સત્તા છિનવી લીધાં બાદ ઇઝરાયેલ અને ઇજિપ્તે ગાઝા પર નાકાબંધી લાદી હતી. ત્રણ યુદ્ધ લડનાર અને હમાસ સાથે અસંખ્ય નાની લડતો લડનાર ઇઝરાયેલ જણાવે છે કે આતંકવાદીઓને શસ્ત્રોની આયાત અને ઉત્પાદન કરતાં અટકાવવા માટે ક્લોઝર જરુરી છે.
ટીકાકારોનું કહેવું છે કે આ એક પ્રકારની સામુહિક સજાનું સ્વરુપ છે. નાકાબંધીને કારણે સ્થાનિક અર્થતંત્ર પાયમાલ થઇ ગયું છે અને ૫૦ ટકા કરતાં વધુ બેરોજગારી પ્રવર્તે છે. આમ કોરોના વાયરસ લોકડાઉને હવે પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ ગાઝાપટ્ટીના લોકોની પીડા અને યાતનામાં વધારો કર્યો છે.