ભારતના ૪૦ કરોડ વોટ્સએપ યૂઝરોની સુરક્ષા જોખમમાં મૂકાઇ છે, ભાજપ નેતાઓના નફરતી ભાષણો સામે કોઇ કાર્યવાહી થતી નથી તે ‘ટાઇમ’ના અહેવાલથી સાબિત થાય છે : કોંગ્રેસ નેતા વેણુગોપાલ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ફેસબૂક અંતર્ગત આવતી વોટ્સએપના ૪૦ કરોડ યૂઝરોની સુરક્ષા જોખમાય તેવા પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનના અહેવાલથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે કોંગ્રેસે ફેસબૂકના સીઇએો માર્ક ઝૂકરબર્ગને છેલ્લા ૧૫ દિવસમાં બીજીવાર પત્ર લખ્યો છે અને માગ કરી છે કે, ભારતમાં ભાજપના નેતાઓ દ્વારા કરાયેલી પોસ્ટ પર ફેસબૂક દ્વારા નફરતી ભાષણો સંબંધિત નિયમો લાગુ કરવાના આરોપો પર કયા પગલાં ભર્યા છે. કોંગ્રેસે એવું પણ પૂછ્યું છે કે, આરોપોમાં કયા કયા પગલાં ઉઠાવાયા છે. ગુરૂવારે પ્રકાશિત થયેલા ટાઇમ મેગેઝિનના અહેવાલને ટાંકતા પત્રમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલે કહ્યું કે, ભારતમાં વોટ્સએપ પર અંકુશના સંચાલનની ભાજપને મંજૂરી મળી છે. ફેસબૂક વિશ્વમાં સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની છે અને તેની માલિકીમાં વોટ્સએપ પણ આવે છે જે પણ ભારતમાં ઘણી પ્રચલિત સોશિયલ મીડિયા એપ છે. ભારતમાં ચુકવણી એપ્લીકેશન તરીકે વોટ્સએપનું ભવિષ્ય રાષ્ટ્રીય ચુકવણી નિયામક પાસેથી અંતિમ મંજૂરી પર નિર્ભર કરે છે અને અત્યારસુધી તે પડતર છે. તેમ અહેવાલમાં જણાવ્યું છે.
પત્રમાં વેણુગોપાલે કહ્યું કે, નવો અહેવાલ ચોંકાવનારો છે અને દેશમાં વિદેશી કંપનીઓના કાયદાનો ભંગ થઇ રહ્યો છે. અમારે ટુંકાગાળામાં જ તમને આ પત્ર લખવાની ફરજ પડી છે કારણ કે, અમેરિકાના મીડિયા પ્રકાશનમાં ફરીવાર આ અંગે એક મોટો ખુલાસો કરાયો છે. તેમાં ઉમેરાયું કે, તમારી કંપનીની ભારતીય ટીમમાં એકથી વધુ લોકો તેમના પ્રોફેશનલ પ્રયાસોમાં ભાજપની તરફેણમાં ભેદભાવ અને પક્ષપાત કરવામાં આવે છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિ મોટી, ઘેરી અને વધુ ચિંતાજનક છે. કોંગ્રેસે ૧૮મી ઓગસ્ટે લખેલા પત્રમાં ફેસબૂકને જણાવ્યું હતું કે, ભારતની વોટ્સએપની ટીમ નફરતી ભાષણો પર ધ્યાન આપતી નથી અને તેનાથી ભારતના સામાજિક સૌહાર્દના માળખાને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ વિદેશી કંપની સામાજિક અસંવાદિતાની ખાતરી નહીં કરતી હોવાથી અમે ભારતમાં તેની વિરૂદ્ધ કાયદાકીય અને ન્યાયિક પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ભારતના ૪૦ કરોડ વોટ્સએપ યૂઝર્સ પર ભાજપનો દબદબો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો છે કે, ટાઇમ મેગેઝિનના ખુલાસાથી સાબિત થઇ ગયું છે કે, વોટ્સએપ પર ભગવા પાર્ટીનો પરોક્ષ અંકુશ છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ભાજપ અને ફેસબૂકના સંબંધોનો ખુલાસો થઇ ગયો છે. તેમણે કહ્યું કે, ભાજપના આ પ્રોપેગન્ડા માટે વોટ્સએપ લાઇફલાઇન બની ચુક્યું છે અને માહિતીનું મુખ્ય માધ્યમ બન્યું છે. વોટ્સએપ માત્ર કોમ્યુનિકેશન માટે વપરાતું નથી પરંતુ સાબિત થાય છે કે, નાણા માટે પણ કામ કરે છે.