કોડીનાર, તા.૩૦
કોડીનાર શહેર અને તાલુકાભરમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે વરસાદે નોનસ્ટોપ બેટીંગ કરતા ૨૪ કલાકમાં વધુ ૬ ઇંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. કોડીનાર શહેરમાં ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૬ ઇંચ જેટલો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ભારે વરસાદી પાણી ભરાતા રહીશો ભારે મુશ્કેલીમાં ફસાયા છે. જ્યારે કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં આજે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં અને ઉપરવાસના ભારે વરસાદના કારણે ડેમના ૬ પૈકી ૫ દરવાજા છેલ્લા ઘણા દિવસોથી સતત એકધારે ખુલ્લા જ છે જેમાં આજે વધારો કરી સવારે ૧૦ કલાકે ૫ દરવાજા ૨-૨ ફૂટ ખોલ્યા બાદ બપોરે ૨ કલાકે ૫ દરવાજા ૩-૩ ફૂટ અને સાંજે ૪ કલાકે ૫ દરવાજા ૪-૪ ફૂટ ખોલાતા શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શિંગોડા નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી રોડ ઉપર આવતા પાણી દરવાજાથી માર્કેટ સુધીનો રસ્તો પણ નદીમાં ફેરવાઈ ગયો હતો. શિંગોડા નદીમાં બનેલા નવા પૂલની આજુબાજુમાં પણ નદીના પાણી ભરાતા અવરજવર બંધ થતાં કોડીનાર શહેર બે ભાગમાં વિખૂટું પડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. શિંગોડા નદીના કાંઠે આવેલ ૧૭ જેટલા ગામોને હાઈ એલર્ટ ઉપર રખાયા છે. કોડીનાર તાલુકાના અરણેજ, ફાચારિયા, ગિરદેવળી, કાંટાળા, સિંધાજ, ઘાંટવડ સહિતના અનેક ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયાં છે. ભારે વરસાદના કારણે કોડીનારના ફાચારિયા ગામમાં ભારે પાણી ભરાયા હતા. જેેેથી કોડીનાર-અરણેજ વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો હતો. કોડીનારમાં આજના ૬ ઇંચ વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ ૧૪૨૮ મી.મી.(૫૭ ઇંચ) નોંધાયો છે અને શિંગોડા ડેમ સાઈટ ઉપર આજના ૫ ઇંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૧૬૩૧ મી.મી. (૬૫ ઇંચ) નોંધાયો છે.