(એજન્સી) તા.૨
બે દિવસ પૂર્વે બનેલી બે તાજેતરની ઘટના બતાવે છે કે કર્ણાટકના તટીય વિસ્તારમા જમણેરી પાંખના સમૂહો કેટલી હદે આઇએસ અધિકારીઓની નિયમિત કામગીરીને પ્રભાવિત કરીને મેનિક્યુલેટ કરી શકે છે.
ગેરકાયદે પશુઓના વેપારી પર હુમલો કોઇ કરશે તો તેમની સામે કડક પગલા લેવાની ધમકી બકરી ઇદ પૂર્વે આપનાર દ.કન્નડ જિલ્લાના નાયબ કમિશનર સિદ્ધુ બી રુપેશની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી. એ જ નિવેદનમાં તેમણે લોકોને કાયદો પોતાના હાથમાં લેવાના બદલે પશુઓની ગેરકાયદે હેરાફેરીની પ્રવૃત્તિ સત્તાવાળાઓના ધ્યાન પર લાવવા વિનંતી કરી હતી.
આ નિવેદનના સમાચાર ફેલાતાં ડેપ્યુટી કમિશનરને જમણેરી પાંખના સભ્યોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ તેમને કોઇ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું ન હતું. તેના બદલે તેમની અન્યત્ર બદલી કરી નાખવામાં આવી હતી અને જમણેરી પાંખના સભ્યોએ જે કંઇ બન્યું તેને જમણેરી પાંખની સક્રિયતાની સત્તા તરીકે ગણાવ્યું હતું.
સિદ્ધુ રુપેશની બદલીના માત્ર બે દિવસ બાદ ઉડુપીના ડેપ્યુટી કમિશનર જી જગદીશને એવું નિવેદન જાહેર કર્યુ હતું કે પશુઓના વેપારી અને ટ્રાન્સપોર્ટર્સ પર હુમલો કરનાર સામે કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક મીડિયા હાઉસે આ નિવેદન પ્રસિદ્ધ કરતાં મિનિટમાં આ નિવેદન વાઇરલ થઇ ગયું હતું. જો કે પાછળથી ડેપ્યુટી કમિશનરે આવી કોઇ વાત કહી હોવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મીડિયામાં રિલીઝ થયેલ દસ્તાવેજ એ કારકૂનની ટાઇપીંગ ભૂલ હતી. આમ આ બંને ઘટનાઓ બે પ્રશ્નો ઉઠાવે છે.
પ્રથમ પ્રશ્ન એ છે કે આઇએએસ અધિકારીઓ કેટલી સ્વતંત્ર રીતે કામ કરી શકે છે અને બીજો પશ્ન એ છે કે જમણેરી પાંખના જૂથો તરફથી ધમકી કઇ રીતે બદલી તરફ દોરી જાય છે અને આઇએએસ અધિકારીઓને કઇ રીતે તેમની ફરજ બજાવતા અટકાવે છે.