અમદાવાદ, તા.૩
રાજ્યમાં અઠવાડિયા પૂર્વે થયેલ ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક રોડ-રસ્તા બંધ થતાં પરિવહન સેવાને પણ અસર થઈ હતી જ્યારે ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. તો ખેતરોમાં પાણી ભરાતા પાકનો નાશ થયો છે. જેની અસર અન્ય પાકની સાથે જીવન જરૂરી વસ્તુ શાકભાજી પર પણ પડી છે. વરસાદને કારણે શાકભાજી પણ જમીનદોસ્ત થઈ છે. જેના કારણે માર્કેટ યાર્ડોમાં શાકભાજીની આવક ઓછી છે એટલે આવક ઘટી છે જેના કારણે શાકભાજીના ભાવમાં બમણાથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે હજુપણ અનેક સ્થળોએ ખેતરોમાં પાણી ભરેલા છે. વળી જ્યાં શાકભાજી જમીનદોસ્ત થઈ છે ત્યાં પણ સ્થિતિ વ્યવસ્થિત થતાં એટલે કે, નવો ફાલ આવતાં એકાદ મહિના જેટલો સમય લાગી શકે છે એટલે હજુપણ એકાદ મહિનો શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે. બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતાં મહિલાઓના બજેટ ખોરવાયા છે તો ગરીબોની સ્થિતિ તો વધુ કફોડી બની છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક શાકભાજીના પાક નષ્ટ થતાં છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવોમાં બેથી ત્રણ ગણા થયા છે. મરચા, ટામેટા, બટાકા, રીંગણ, ગુવાર, ભીંડા, કોબીજ સહિતના ભાવોમાં વધારો થયો છે. મરચા, રીંગણા, ટામેટા જેવા શાક આશરે ૮૦થી ૧૦૦ રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે જે અગાઉ ૩૦થી ૪૦ રૂપિયે કિલો વેચાતા હતા. જ્યારે કોબીજ, ભીંડા, ફ્લાવર, ગવાર જેવા શાક ૭૦થી ૮૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે કોથમીર ૧પ૦થી ર૦૦ રૂા. જ્યારે ફૂદીનો ૧૦૦થી ૧પ૦ રૂા. કિલો વેચાય છે. વળી બટાકા પણ ૪૦ રૂપિયે પ્રતિ કિલો વેચાય છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વળી કેટલીક શાકભાજીની મહારાષ્ટ્રથી આયાત કરવામાં આવી રહી છે. જ્યારે હજુપણ એકાદ મહિનો ભાવ વધારો યથાવત રહી શકે છે. આ યાર્ડના કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ શરૂઆતમાં વરસાદના કારણે માલ ન આવતા તેમજ બાદમાં ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીને નુકસાન થતાં માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે. વળી પુરતા ભાવ આપવા છતાં ગુણવત્તાવાળો માલ મળતો નથી. વીસ કિલો શાકભાજીમાં પાંચ કિલો માલ તો સડેલો નીકળે છે જેના કારણે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાને કારણે બેથી ત્રણ શાકભાજી ખરીદી કરનાર ગૃહિણીઓ ઓછી અથવા તો એકાદ શાકભાજી ખરીદી સંતોષ માને છે.