Site icon Gujarat Today

વડોદરા ભાજપના કાઉન્સિલરના વ્હોટ્‌સએપ મેસેજથી ખળભળાટ મેં મોદીને મત રસ્તાના ખાડા માટે નહીં, રામમંદિર, ૩૭૦ની કલમ હટાવવા આપ્યો હતો

 

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
વડોદરા શહેરમાં વરસાદના કારણે માર્ગો પડેલા ખાડાઓની ફરિયાદોથી કંટાળેલા ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલે વોટ્‌સએપ ઉપર એક મતદારને નફ્ફટાઇ ભર્યો કરેલો મેસેજ વાયરલ થયો છે. કાઉન્સિલરે મેસેજમાં જણાવ્યું છે કે, મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમ કે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. મફતના ગાંઠિયા ખાઇને મત આપનારાઓની સલાહની મને જરૂર નથી’ આ ઉપરાંત મોદીને તો રામમંદિર, ૩૭૦ માટે વોટ આપ્યો હોવાની વાત પણ મેસેજમાં કરી છે. જો કે, કાઉન્સિલરે પોતાના બચાવમાં જણાવ્યું ક્રે, આ મેસેજ મેં કર્યો નથી, પરંતુ, મને કોઇને મોકલેલ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, કાઉન્સિલરે આ મેસેજ ડિલિટ કરવાને બદલે ફોરવર્ડ કરીને ભાજપના ધજાગરા ઉડાવી દીધા છે. વોર્ડ નં-૮ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્‌સએપ પર ભાજપના ધજાગરા ઉડાવતો મેસેજ મૂક્યો છે. જે મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, વાઇરલ થયેલો મેસેજ આ મુજબ છે ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમ કે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવું જ છું. જેમ કે ૨૦૧૪ પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા ?
આ ઉપરાંત બીજા મેસેજમાં જણાવ્યું છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદોને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવી, સમાન નાગરિક ધારો, આતંકવાદમુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણ અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફ્તના ગાંઠિયા ખાઇને મત આપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી.
ઉલ્લેખનીય બાબત એ છે કે, વડોદરા શહેરમાં વરસાદના કારણે પડેલા ખાડા-ભૂવા પાલિકાના ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યા છે. વડોદરાના લોકો માર્ગો ઉપર પડેલા ખાડા-ભૂવાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. વેરા વસૂલવામાં કડકાઇ કરતી પાલિકા શહેરીજનોને સારા રસ્તા આપવામાં ધરાર નિષ્ફળ ગયું છે, ત્યારે ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલ ભલે કહેતા હોય, કે આ મેસેજ ફોરવર્ડ કરેલો છે, પરંતુ, વાસ્તવિકતા એ છે કે, વડોદરા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓની ફરિયાદોથી ભાજપના મોટા ભાગના કાઉન્સિલરો પોતે ત્રાહિમામ પોકારી ગયા છે.
ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલના વાઇરલ થયેલા ખાડા બાબતના મેસેજે શહેર ભાજપામાં ખળભળાટ મચાવી મૂકયો છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વડોદરાના લોકોને સારા રસ્તા, શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયેલા પાલિકાના વહીવટકર્તાઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

Exit mobile version