અમરેલી, તા.૪
અમરેલી શહેરમાં કલેક્ટર કચેરી, બહુમાળી ભવન, કોર્ટ બિલ્ડિંગ, તિજોરી કચેરી સહિતની સરકારી કચેરીઓ જ્યાં આવેલ છે તેના મુખ્ય રોડ ઉપર ગાબડાની હારમાળા સર્જાયેલ છે. આ જર્જરિત રોડ ઉપર સતત પાણી ભરાયેલ રહેવાથી વાહનચાલકો-રાહદારીઓને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરના હાર્દસમાં લાઈબ્રેરી રોડ, રાજમહેલ કેમ્પસના સરકારી કચેરીઓમાં જવાના તેમજ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જવાના મુખ્ય માર્ગો ઉપર ગાબડાની હારમાળામાં વરસાદી પાણીથી કાદવ-કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલ છે. આવા જર્જરિત રોડ ઉપરના ગાબડાઓમાં અકસ્માત સર્જાય રહેલ છે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીના મુખ્ય દરવાજા સામેના રોડની હાલત પણ અતિ ખરાબ હોવાના કારણે વાહનચાલકો ગાબડામાં અટવાઈ રહેલ છે. જિલ્લા સમાહર્તાની કચેરીના મુખ્ય દરવાજાથી સિવિલ હોસ્પિટલનો રોડ તેમજ લાઈબ્રેરી રોડ પણ અતિ બિસ્માર બનેલ છે. એક-એક ફૂટ ઊંડા અને લાંબા ગાબડાઓમાં પાણી ભરાઈ રહેતા હોવાથી રોડની હાલત ગામડા કરતા પણ બદ્દતર બનેલ છે. ગાબડાની હારમાળા વચ્ચે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં પહોંચવામાં હાલત દયનીય બની જાય છે.