Site icon Gujarat Today

દાહોદમાં પાંચ સભ્યોના પરિવાર દ્વારા સામૂહિક આપઘાતથી પંથકમાં અરેરાટી

અમદાવાદ, દાહોદ, તા.૪
કોરોના મહામારીમાં લોકડાઉન પછી રાજ્યમાં આપઘાતના અનેક બનાવો બન્યા છે અને બનાવોમાં વધારો થયો છે. ત્યારે દાહોદમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. દાહોદના ગોધરા રોડના સુજાઈ બાગમાં આ ઘટના બની છે. વ્હોરા પરિવારે કોઈ અગમ્ય કારણોસર ત્રણ દીકરીઓ સાથે દંપતીએ મીઠાઈમાં ઝેરી દવા ભેળવી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે જ્યારે એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી છે.
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલા સુજાઈ બાગમાં બતુલ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા વેપારી સૈફીભાઈ દુધિયાવાળા (ઉ.૪ર) તેમની પત્ની મહેજબીન દુધિયાવાળા (ઉ.૪પ) દીકરીઓ અરવા (ઉ.૧૬), જૈનબ (ઉ.૧પ) અને હુસૈના (ઉ.૭) પરિવારના પાંચેય સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શુક્રવારે વહેલી સવારે સૈફીભાઈના પિતાએ તેમને ફોન કરતા સૈફીભાઈએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી તેમના પિતાએ નજીકમાં રહેતી તેમની બહેનને જાણ કરી હતી. તેમના બહેન ૮ કલાકે સૈફીભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો જેથી આજુબાજુ રહેનારા લોકોએ ભેગા મળી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે ઘરમાં ત્રણ દીકરીઓ સાથે દંપતી મૃત હાલતમાં મળી આવતા બધા ચોંકી ઊઠ્યા હતા.
આ બાબતની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ત્રણ બાળકીઓ સહિત દંપતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હાલ અકબંધ છે. પરંતુ મૃતકના પિતાના કહ્યા પ્રમાણે મરનાર સૈફીભાઈ તેની સાળી પાસેથી થોડા સમય પહેલા સોનુ લાવ્યો હતો અને તે બાબતને લઈને સમગ્ર પરિવાર કેટલાક સમયથી ટેન્શનમાં રહેતું હતું જેથી તે બાબતે પણ પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મૃતકના સગા નાના ભાઈએ પણ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. ત્યારે તેણે દેવું વધી જતાં તેમજ વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જે બાબતની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે ફરીથી એ જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ માટે પણ સમગ્ર મામલો ગહન તપાસનો વિષય બન્યો છે. પ્રાથમિક તપાસમાં તો પોલીસ પણ આર્થિક સંકડામણના કારણે જ સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની વાતને સમર્થન આપી રહી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બરઝર ગામના સૈફીભાઈ બરઝરવાલા ૧૦ વર્ષ પહેલાં દાહોદમાં રહેવા આવ્યા હતા અને ડિસ્પોઝેબલ ગ્લાસનો વેપાર કરતા હતા. આ ઘટના અંગે મૃતકના પિતાએ શબ્બીરભાઈએ જણાવ્યું હતું કે, ઘરડો માણસ છું મારો સહારો કોણ બનશે મને એટલું જાણમાં છે કે, મારા દીકરાએ તેની સાળી પાસેથી સોનું લીધું હતું તેના કારણે તે દબાણમાં હતો. આમ મૃતક પરિવારના મોભીના આવા આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. જો કે, ઘટનામાં પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ આરંભાઈ છે.

Exit mobile version