Site icon Gujarat Today

યુનિવર્સિટી રેન્કિંગમાં જામિયાની સાત સ્થાનની છલાંગ, પરંતુ તેનો મતલબ શું છે ?

 

(એજન્સી) તા.૪
જામિયા મિલ્લિયા ઇસ્લામિયાએ (જેએમઆઇ) આ વર્ષે ટાઇમ્સ હાયર એજ્યુકેશન (ટીએચઇ) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનું સ્થાન ૧૯મું હતું તે સુધારીને હવે ૧૨મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જામિયા ડિસે. ૨૦૧૯માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરુદ્ધ તેના વિદ્યાર્થીઓના દેખાવોના મામલે પ્રકાશમાં રહી હતી. પાછળથી ફેબ્રુ.માં નોર્થ ઇસ્ટ દિલ્હીના રમખાણોના સંદર્ભમાં સફુરા જરગર અને મીરાન હૈદર સહિત કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પીઆરઓએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે જામિયાએ વૈશ્વિક સ્તરે માત્ર પોતાનું સ્થાન જાળવી જ નથી રાખ્યું પરંતુ ભારતીય સંસ્થાઓમાં પોતાના રેન્કિંગમાં સુધારો પણ કર્યો છે. આ વર્ષે ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ૯૩ દેશોની ૧૫૨૭ સંસ્થાઓ લિસ્ટ કરવામાં આવી હતી જેમાં ભારતી સંસ્થાઓની સંખ્યા ૫૬ હતી તે વધીને ૬૩ થઇ હતી. જો કે ઘણા નિષ્ણાતોએ એવું નોંધ્યું છે કે આ રેન્કિંગ કવાયત નબળી રીતે તૈયાર કરવામાં આવેલ છે અને પ્રત્યેક યુનિવર્સિટીના મેરીટ્‌સ અને ડી-મેરીટ્‌સનો સાચો ખ્યાલ રજૂ કરવામાં નિષ્ફળ જાય છે. સાથો સાથ રેન્કિંગ કેટલાક મહત્વના નિર્ણયોને પ્રભાવિત કરે છે. ધ હિંદુ પ્લે રાઇટ એવોર્ડ ૨૦૧૬ના વિજેતા થોમસ મેન્યુલે ૨૦૧૭માં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત સરકારના નેશનલ ઇન્સ્ટીટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમ વર્કની પ્રથમ બે આવૃત્તિ વચ્ચે જામિયાએ ૭૦ સ્થાનની છલાંગ લગાવી છે એટલે કે જામિયા ૮૩માં ક્રમે હતી તેમાં છલાંગ લગાવીને હવે ૧૨માં ક્રમે આવી ગઇ છે. થોમસ મેન્યુલના જણાવ્યા અનુસાર આ બતાવે છે કે રેન્કિંગ સિસ્ટમની ડિઝાઇન નબળી છે જેના કારણે આટલો મોટો ફરક જોવા મળે છે. એનઆઇઆરએફની ૨૦૨૦ની અવૃત્તિમાં જામિયા ૧૮માં ક્રમે છે. આમ જામિયાની જે છલાંગ જોવા મળે છે તેનું વધુ પડતું અર્થઘટન કરવાની જરુર નથી. આ વર્ષે એપ્રિલમાં ૭ આઇઆઇટીએ એવી જાહેરાત કરી હતી કે તેઓ રેન્કિંગનો બહિષ્કાર કરશે કારણ કે ટાઇમ્સ હાયર એજ્યુકેશનની સિસ્ટમ અપારદર્શક છે. આમ રેન્કિંગ કવાયતના મૂળમાં અનેક પરિબળો જવાબદાર છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા નક્કી કરે છે. જામિયાના રાજકીય વિજ્ઞાનના વિભાગમાં પીએચડીના ઉમેદવાર મોહમદ ઓસામાના જણાવ્યા પ્રમાણે જામિયાનું રેન્કિંગ આટલું સારૂં આવવા છતાં ભાજપનો તેના પર રોષ ઓછો થયો નથી.

Exit mobile version