પીડિત મુસ્લિમ યુવકની ઓળખ બાસિતખાન તરીકે થઈ છે. તે ૩૨ વર્ષનો હતો. લોકોએ તેને ઝાડ સાથે બાંધ્યા બાદ ફેંટો, લાતો અને કલાકો સુધી બાંધીને લાકડી-દંડા વડે પણ માર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી અને શુક્રવારે સાંજે બરેલીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાસિતનું નિધન થઇ ગયું હતું
(એજન્સી) તા.૫
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં વધુ એક મુસ્લિમ યુવક સાથે ક્રૂરતાપૂર્વકની લિન્ચિંગની ઘટનાનો બનાવ સામે આવ્યો હતો. અલોના ગામમાં એક મુસ્લિમ યુવકને ચોર હોવાની આશંકાના આધારે જ હિન્દુ લોકોના ટોળાએ પકડી લીધો હતો અને તેને ઝાડ સાથે બાંધીને તેને એટલી નિર્દયતાપૂર્વક માર્યો કે તે મૃત્યુ જ પામી ગયો.
પીડિત મુસ્લિમ યુવકની ઓળખ બાસિત ખાન તરીકે થઈ છે. તે ૩૨ વર્ષનો હતો. લોકોએ તેને ઝાડ વડે બાંધ્યા બાદ ફેંટો, લાતો અને કલાકો સુધી બાંધીને લાકડી-દંડા વડે પણ માર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી અને શુક્રવારે સાંજે બરેલીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાસિતનું નિધન થઇ ગયું હતું.
જોકે તેને ઢોર માર માર્યા બાદ લોકોએ છટકબારીઓ કરીને બાસિતને પોલીસને સોંપી દીધો હતો. લોકોએ એટલી નિર્દયતા દાખવી કે તેને હોસ્પિટલ પણ પહોંચાડ્યો નહોતો. જોકે બીજી બાજુ પોલીસે પણ આવું જ કર્યુ. તેને હોસ્પિટલે પહોંચાડવાને બદલે રિક્ષામાં નાખીને તેના ઘરે પહોંચાડી દીધો હતો અને ત્યાંથી જતી રહી હતી. એક મુસ્લિમ એક્ટિવિસ્ટ આસિફ ખાને આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો તેમના ટિ્વટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે બાસિત ખાનને ઝાડ સાથે બાંધીને લોકો તેને નિર્દયતાપૂર્વક મારી રહ્યા છે. તે દયાની ભીખ માગી રહ્યો હોવા છતાં કોઈ તેના પર દયા ખાવા તૈયાર નહોતું.