(એજન્સી)નવી દિલ્હી, તા.૫
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ઉત્તર પૂર્વ દિલ્હીના રમખાણ કેસ સંદર્ભે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ત્રણ કલાક પૂછપરછ કરી હતી. પોલીસે ખાલિદને પૂછ્યું હતું કે રમખાણો દરમિયાન એ ક્યાં હતા. દરમિયાનમાં ખાલીદે પોલીસ ઉપર આક્ષેપ મૂક્યો છે કે પોલીસ મને સાક્ષીઓનો ભય બતાવી ખોટી રીતે આ કેસમાં ફસાવી રહી છે. ખાલીદે દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીનિવાસને પત્ર લખી જણાવ્યું છે.
૨૯મી ઓગસ્ટે ખાલિદની એક ઓળખીતી વ્યક્તિને દિલ્હી પોલીસના સ્પે. સેલના તપાસ અધિકારીએ એક નિવેદનમાં સહી કરવા કહ્યું હતું. જેમાં જણાવેલ હતું કે ખાલીદે દિલ્હીમાં ચક્કાજામ માટે લોકોને કહ્યું હતું અને ઓળખીતાને એ માટે પૈસા આપવા કહ્યું હતું.
આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા ખાલિદના પિતા સૈયદ કાસિમ રસુલ ઈલ્યાસે કહ્યું કે ખાલિદની પૂછપરછ પોલીસની ક્રાઈમ બ્રાંચે નાિેટસ મોકલાવી કરી હતી. પોલીસે ખોટી રીતે કહ્યું હતું કે ખાલિદ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા ૨૬મી જાન્યુઆરી અને ૫મી ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યો હતો. આ સંપૂર્ણપણે અસત્ય છે. ટ્રમ્પની મુલાકાત બાબતે ૧૦મી ફેબ્રુઆરી સુધી કોઈને પણ ખબર ન હતી. ખાલિદે બધા આક્ષેપો નકારી કાઢ્યા હતા.
ઈલ્યાસે કહ્યું કે પોલીસ ધમકીઓ અને ભય બતાવી ખોટા સાક્ષીઓ ઊભા કરી રહી છે. તેઓ ખોટો સંદેશ વહેતો કરવા ઈચ્છે છે જે કોર્ટમાં ટકી શકશે નહીં. નિવેદનોમાં જણાવેલ પોલીસના બધા આક્ષેપો ખોટા અને બનાવટી છે. આશ્ચર્યની વાત છે કે રમખાણોના ખરા ગુનેગારો સામે કોઈ આક્ષેપો નથી પણ નિર્દોષોને ફસાવવામાં આવી રહ્યા છે.