રાજ્યમાં આગામી પાંચ જ મહિનામાં ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ ૮ હજાર જગ્યા માટે નિમણૂક પત્રો આપવા આદેશ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.પ
રાજયમાં કોરોનાની મહામારીમાં ધંધા-રોજગારની કફોડી સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો વચ્ચે હવે રાજય સરકારે રાજયના બેરોજગાર યુવાનો માટે આશાસ્પદ જાહેરાત કરી છે. જેને પગલે આગામી પાંચ મહિનામાં રાજયના ર૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ આદેશો જારી કર્યા હતા. જેમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ ૮ હજાર જગ્યાઓ માટે નિમણૂકપત્રો તાત્કાલિક આપવા ખાસ આદેશ આપ્યા છે.
ગાંધીનગરમાં યોજાયેલી સીએમ રૂપાણીએ જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગે વિવિધ આદેશ જારી કર્યા હતા. રાજયમાં ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી ૯૬પ૦ જેટલી જગ્યાઓ માટે કોવિડ-૧૯ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના ૨૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મુખ્યમંત્રી રૂપાણીએ ઉભી કરી છે. તાજેતરમાં જ એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં પણ ભરતી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફની સ્થિતિમાં છે ત્યારે ગુજરાતમાં આગામી ૫ મહિનામાં ૨૦,૦૦૦ યુવાનો માટે સરકારી નોકરીની નવી તક ખુલતા રાજ્યમાં અનેક યુવાનોમાં આશાનું કિરણ જન્મ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં કે પછી જેમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેમાં અપોઈન્ટમેન્ટ લેટર ના મળતા રાજ્યના હજારો બેરોજગાર યુવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. થોડા સમય પહેલા આ મામલે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન પણ શરુ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ આઠ હજાર જેટલી જગ્યાઓ પર ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સફળતા મેળવનારા યુવાવર્ગને ટૂંક જ સમયમાં અપોઈન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવશે. છેલ્લા ચારેક વર્ષમાં ગુજરાત સરકારમાં મોટાપાયે ભરતી થઈ છે. સરકારનો દાવો છે કે આ સમયગાળામાં સવા લાખ જેટલા લોકોને નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોરોના આવ્યો તે પહેલા અનેક ભરતીઓની જાહેરાતો પણ આવી હતી, પરંતુ તેમાં લોકડાઉન બાદ કોઈ પ્રગતિ નથી થઈ શકી. આ મામલે સીએમે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ આ ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે.