અમદાવાદ, તા.૫
શહેરના કાલુપુર વિસ્તારમાં સોદાગરની પોળમાં શનિવારે સવારે એક ફલેટના નિર્માણ સમયે આસપાસના બે-ત્રણ મકાનોની દિવાલો ધડાકાભેર તૂટી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અને ફાયર બ્રિગેડે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની વિગત જાણવા મળ્યા મુજબ, શહેરના કાલુપુર વિસ્તારમાં સોદાગરની પોળ ગલી નંબર ૧૬માં એક ફલેટનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે સમયે કામકાજ દરમ્યાન અકસ્માતે આસપાસના બે-ત્રણ મકાનોની દિવાલો ઘડાકાભેર તૂટી પડી હતી. આ અકસ્માતના પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાં કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરી હતી. દિવાલ તૂટી પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોેંચી નવા બાંધકામને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આસપાસ અન્ય મકાન પણ ભયજનક જણાતા અને અન્ય દિવાલો પણ તૂટી પડે તેમ હોવાથી એએમસીએ સીલીંગની પક્રિયા કરી હતી અને ઈમારતની દિવાલ પર ભયજનક મકાન હોવાનું સ્ટીકર લગાવ્યું હતું. દિવાલ તૂટી પડવાના જોરદાર અવાજથી ભયના માર્યા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. એસ્ટેટ વિભાગે આસપાસના કેટલાક મકાનોને ભયજનક જાહેર કરી ઘટના સ્થળને કોર્ડન કર્યું હતું. જો કે આટલી નાની ગલીઓમાં બાંધકામથી ઘણું જોખમ ઊભું થાય છે અને ઈમારત તૈયાર થઈ ગયા પછી પણ ફાયર સેફટી અને સુરક્ષાના અન્ય નિયમોના સવાલ તેના સ્થાને ઊભા રહે છે.