સુરત, તા.૭
ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરતમાં એક તબક્કે કોરોના અંકુશમાં આવી ગયો હતો. કેસની સંખ્યામાં પણ ઘટવા લાગી હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે ફરી કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ કેસમાં વધારો થવા લાગ્યો છે જેમાં હવે સુરત સિટી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ચેપ રોકેટની ગતિએ ફેલાય રહ્યો છે. આજે બપોર સુધીમાં સુરતમાં વિક્રમી ૧૭૫ કેસો નોંધાયા હતા. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૨૨,૭૮૦ ઉપર પહોંચી છે. શહેર-જિલ્લામાં મૃત્યુઆંક વધીને ૮૪૨ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી ૧૯,૩૦૧ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જ્યારે ૨૪૬૨ દર્દીઓ હજુ પણ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. શહેરમાં છેલ્લા ૧૨ કલાકમાં કોરોના સંક્રમિત કેસ ૮૪ નોંધાયા હતા. શહેરમાં પ્રારંભમાં લિંબાયત સેન્ટ્રલ ઝોન હોટસ્પોટ બન્યા બાદ કતારગામ અને વરાછા ઝોન હોટસ્પોટ બન્યા હતા. હવે સૌથી વધુ અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૩૦૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં ૬૩૦ ઉપર મૃત્યુઆંક પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસોની સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭,૬૨૯ ઉપર પહોંચી છે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતિથી ફેલાઈ ગયું છે તે જોઈને લાગી રહ્યા છે કે, કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં સુરત જિલ્લો સૌથી વધુ સંખ્યા ધરાવતો જિલ્લો બની જશે. ગઈકાલે એક જ દિવસમાં વિક્રમી કોરોના સંક્રમિત ૧૧૦ રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા હતા. જ્યારે આજે વધુ ૯૧ પોઝિટિવ કેસો બપોર સુધીમાં સામે આવ્યા છે જેથી આરોગ્ય વિભાગમાં બેકાબૂ બનેલા કોરોનાને અંકુશમાં લેવા માટે દોડધામ મચી છે. ઉપરાંત જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૫૧૫૧ ઉપર પહોંચી ગઈ છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડાવ્યા હોય હવે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યાનું આરોગ્ય વિભાગનું માનવું છે, જિલ્લામાં કુલ મોતની સંખ્યા ૨૧૨ ઉપર પહોંચી છે. જો કે, એક સારી બાબત એ છે કે, ધીમે-ધીમે કોરોના બીમારીમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે અને રિકવરી રેટ પણ સુધરી રહ્યા છે, જિલ્લામાં કુલ ૪૧૨૪ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે. ઉમરપાડા તાલુકામાં કેસ નહીં નોંધાવાનો સિલસિલો યથાવત્ રહ્યા છે.