(એજન્સી) તા.૮
પોતાની જાળ વધુ ફેલાવીને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ (એનઆઇએ) હવે એલગાર પરિષદની ચાલી રહેલ તપાસના સંદર્ભમાં બે વધુ શિક્ષણવિદો અને એક પત્રકારને પૂછપરછ માટે સમન્સ બજાવ્યાં છે. જેમને સમન્સ બજાવવામાં આવ્યાં છે તેમાં ઇંગ્લીશ એન્ડ ફોરેન લેંગ્વેજીસ યુનિવર્સિટી (ઇએફએલયુ) ખાતેના ૫૧ વર્ષના પ્રો.કે સત્યનારાયણ, ધ હિંદુના પત્રકાર કે વી કુરમાનાથ અને કોલકાત્તામાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ખાતેના ૪૨ વર્ષના મોલેક્યુલર બાયોલોજીસ્ટ અને એસોસિએટ પ્રો.પાર્થસારથી રાયનો સમાવેશ થાય છે.
એનઆઇએ હવે આ કેસમાં વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલ ગૌતમ નવલખા અને શિક્ષણવિદ તેમજ નાગરિક સ્વાતંત્ર કર્મશીલ આનંદ તેલતુંબડે સામે આગામી મહિનામાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરનાર છે ત્યારે છેલ્લા કેટલાક સપ્તાહથી અનેક લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે. કર્મશીલો અને શિક્ષણવિદો ઉપરાંત એનઆઇએએ ધરપકડ કરાયેલ કર્મશીલોનું પ્રતિનિધિત્વ કરતાં વકીલોને પણ બોલાવ્યા છે.
૭, સપ્ટે. જાહેર કરેલા એક નિવેદનમાં સત્યનારાયણે જણાવ્યું હતું કે તેમને ઇસ્યૂ કરાયેલ સમન્સને કારણે તણાવમાં વધારો થયો છે. સત્યનારાયણ અને કુરમાનાથ બંને જેલમાં બંધ કવિ, લેખક અને પીઢ રાજકીય કર્મશીલ વારા વારા રાવના જમાઇ છે. ઓગસ્ટ ૨૦૧૮માં આ કેસમાં અગાઉ તપાસ કરનાર એજન્સી પોલીસ પૂણેએ હૈદરાબાદમાં વારા વારા રાવના ઘરની સાથે સાથે સત્યનારાયણ અને કુરમાનાથના ઘરે પણ દરોડા પાડ્યાં હતાં. સત્યનારાયણે એ વખતે પોલીસ કાર્યવાહી પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ધ વાયર સાથેની મુલાકાતમાં એ વખતે સત્યનારાયણે જણાવ્યું હતું કે પોલીસે અન્યત્ર જે કર્યુ હતું તે કરી શકી હોત. તેમણે મારી જ્ઞાતિ અને મારા પત્નીની જ્ઞાતિનો દરોડા દરમિયાન અનેક વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે મારી પત્નીને એવા પણ પ્રશ્નો પૂછ્યાં હતાં કે એક હિંદુ પરિણીત મહિલા સામાન્ય રીતે પહેરે છે એવા પરંપરાગત દાગીના તેમણે કેમ પહેર્યા નથી ? તેમણે તેને જણાવ્યું હતું કે તમારા પતિ દલિત છે પરંતુ તમે બ્રાહ્મણ છો તો પછી તમે કેમ કોઇ પરંપરાને અનુસરતા નથી ? સત્યનારાયણ અને કુરમાનાથને આજે જ્યારે મુંબઇમાં મોટા પાયે સંક્રમણ ફેલાયું છે ત્યારે તેને મુંબઇ જવાનો ડર લાગી રહ્યો છે. આ ત્રણેયે-પાર્થસારથી રાય, કે સત્યનારાયણ અને કે વી કુરમાનાથે જણાવ્યું છે કે તેમને આ કેસ સાથે કોઇ નિસ્બત નથી અને આ એક ધાકધમકી આપવાની પ્રયુક્તિ છે.