(એજન્સી) તા.૧૦
ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ૧૧ સપ્ટેમ્બર ર૦૦૧ પછીથી અમેરિકન નીતિઓના કારણે ૩ કરોડ ૭૦ લાખથી વધુ લોકો પોતાના ઘરોમાંથી પલાયન કરવા પર વિવશ થયા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન નીતીઓના કારણે પલાયન પર વિવશ થનારા આ ૩ કરોડ ૭૦ લાખ લોકોમાં વધુ પડતા સામાન્ય નાગરિક છે. જેમનો યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. આ રિપોર્ટ મુજબ ઈરાક, સીરિયા, લીબિયા, યમન, સોમાલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તે દેશ છે જ્યાંના સામાન્ય લોકોને અમેરિકાની યુદ્ધોન્માદી નીતિઓના કારણે પોતાના ઘર છોડીને જવું પડ્યું. જાણકારોનું કહેવું છે કે, વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં પોતાની સૈન્ય હાજરીના કારણે અમેરિકા, વિશ્વના ઘણા દેશોમાં અશાંતિનું કારણ બન્યું છે. આ દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે સુરક્ષા કોન્ટ્રાક્ટરોને રાજી રાખવા માટે પેન્ટાગોનના ટોચના અધિકારી યુદ્ધ લડતા રહેવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે, પેન્ટાગોનના અધિકારી બોમ્બ, હથિયાર અને વિમાન બનાવનારી કંપનીઓને ખુશ રાખવા માટે યુદ્ધોને જારી રાખવા ઈચ્છે છે.