(એજન્સી) તા.૧૦
આસામના સીલ્ચર મેડિકલ કોલેજમાં ૭૦ વર્ષના બિઝનેસમેન નારાયણ મિત્રાનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું હોવા છતાં તેમના મૃત્યુને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આસામ સત્તાવાર રીતે ભારતમાં એવું રાજ્ય છે કે જ્યાં કોરોનાને કારણે સૌથી ઓછા મૃત્યુ થયા હોવાનું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે.
૭, સપ્ટે.ના રોજના આંકડા અનુસાર આસામમાં ૧૩૦૦૦૦ કેસોમાંથી માત્ર ૩૭૦ના જ મૃત્યુ થયાં હોવાનું જણાવાય છે અને આમ આસામમાં કોવિડ-૧૯નો મૃત્યુદર માત્ર ૦.૨૮ ટકા છે. વાસ્તવમાં નારાયણ મિત્રા જેવા કેસોના ઓછાયા આ દાવા પર છવાયેલા છે. ૧૧, જુલાઇના રોજ નારાયણ મિત્રાનું મૃત્યુ થયું તેના પહેલા આસામના આરોગ્ય પ્રધાન હેમંત બિશ્વ શર્માએ કોવિડ-૧૯ માટે ચાર સભ્યોના ડેથ ઓડિટ બોર્ડની રચના કરી હતી. શર્માના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચની ગાઇડલાઇન અનુસાર આવું કરવામાં આવ્યું છે. આ બોર્ડ ખાતરી કરે ત્યાર બાદ જ સત્તાવાર મૃત્યુનું કારણ કોવિડ-૧૯ જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં આઇસીએમઆરએ રાજ્યને ડેથ ઓડિટ બોર્ડની રચના કરવાની ક્યારેય ભલામણ કરી નથી તેમ છતાં કેટલાક રાજ્યોએ આવા બોર્ડની રચના કરી છે. દિલ્હી, તામિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આવી સમિતિઓ દ્વારા હાથ ધરવામાં આવતી કવાયતને કારણે અગાઉ રિપોર્ટ નહીં કરવામાં આવેલા મૃત્યુના કિસ્સાઓને ઓળખી કાઢવામાં મદદ કરી છે. જ્યારે આસામમાં ડેથ ઓડિટ બોર્ડ તેનાથી તદ્દન વિરુદ્ધ કામગીરી કરી રહ્યું છે અને આઇસીએમઆરના પ્રોટોકોલ પ્રમાણે જે કેસ કોવિડ-૧૯ હેઠળ મૃત જાહેર કરવા જોઇએ તે કરવામાં આવતાં નથી.
કોવિડ-૧૯ના મૃત્યુની ઓછી ગણતરી બે રીતે કરવામાં આવે છે. એક તો જેમનામાં કોવિડ-૧૯ના તબીબી લક્ષણો જોવા મળ્યાં હતાં એવા શકમંદ કોવિડ-૧૯ના મૃત્યુના કિસ્સામાં લેબોરેટરી કન્ફર્મેશન નહીં હોવાથી આ પ્રકારના મૃત્યુની ભારતભરમાં કોવિડ-૧૯ના મૃત્યુ તરીકે ઉપેક્ષા કરવામાં આવી છે. બીજી રીત લેબોરેટરી દ્વારા સમર્થિત કોવિડ-૧૯ના કેસોના મૃત્યુની ગણતરી કરવાની નિષ્ફળતા, આસામમાં આવું જ બની રહ્યું છે. આ માટે એવું કારણ આપવામાં આવે છે કે આવા કિસ્સાઓમાં ૫૫૦ લોકોના મૃત્યુ કોવિડ-૧૯ માટે પોઝિટીવ આવ્યા બાદ થયા હતા પરંતુ તેમને નોન-કોવિડ મૃત્યુ ગણવામાં આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે આ કિસ્સામાં મૃત્યુનું કારણ કોવિડ-૧૯ નહીં પરંતુ અન્ય કારણ હતાં. આમ કોવિડ પોઝિટીવના કન્ફર્મ કેસોમાં ૬૦ ટકા મૃત્યુને કોવિડ-૧૯ના મૃત્યુ તરીકે ગણવામાં આવ્યા નથી અને આ રીતે આસામ આઇસીએમઆરની ડેથ રિપોર્ટીંગ ગાઇડલાઇન્સનો ભંગ કરી રહ્યું છે.