જૂનાગઢ, તા.૧ર
જૂનાગઢના વિશ્વવિખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ઝુમાંથી એક દિપડો ફરાર થઈ જવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. અને નાશી છૂટેલા દીપડાને પાંજરે પૂરવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આખરે આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક ડૉ.અભિષેકકુમારની એક યાદીમાં જણાવ્યા અનુસાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બીજા વિભાગમાં રાખવામાં આવેલ દીપડો (ઉ.વ.૯) પાંજરાની સાફ-સફાઈની દૈનિક કામગીરી દરમ્યાન આકસ્મિક રીતે તા.પ-૯-ર૦ર૦ના રોજ ઝુમાંથી ભાગી ગયો હતો. અને જેને કારણે ઝૂ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દીપડાની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન ઝૂના પાછળના ભાગમાં સતત તેના પગલાના નિશાનને મોનીટર કરી અને અલગ-અલગ પાંચ જગ્યાએ પાંજરા મૂકવામાં આવેલ હતા. દરમ્યાન તા.૧૧-૯-ર૦ર૦ની રાત્રીના ૧ર.૩૦ કલાકે આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી અને તેને સલામત જગ્યાએ રાખવામાં આવ્યો હોવાનું ઝૂ સત્તાધીશોએ જણાવ્યું હતું.