મુંબઈ, તા.૧૩
કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારના રોજ સામે આવ્યા. જો કે તેમણે કંગના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું નથી. તેમણે લાઇવ આવીને પ્રજાને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે તેઓ ચુપ છે પરંતુ તેનો મતલબ એ નથી કે તેમની પાસે જવાબ નથી. તેમણે કોરોનાને લઇ લોકોને જાગૃત થવાની વાત કહી. પોતાના સંબોધનની શરૂઆત કરતાં ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે મહારાષ્ટ્રને લઇ જે પણ વસ્તુ થઇ રહી છે તેને લઇ હું આજે વાત કરીશ. શરૂઆત કરતાં હું કોરોના પર જ વાત કરીશ. હવે કહેવાય છે કે કોરોના સંકટ સતત વધતો જઇ રહ્યો છે. ડબલ્યુએચઓના રિપોર્ટમાં પણ આ વાત કહેવાઇ છે. તમામ ધર્મના લોકોએ સામાજિક જવાબદારીનું પાલન કરતાં પોતાના તહેવારો મનાવે. કોરોનાનું સંકટ વધી રહ્યું છે અને હજુ પણ વધશે. મારી ખામોશીને મારી મજબૂરી ના સમજો. રાજકારણ પર જરૂર પડી તો ચોક્કસ વાત કરીશ તેમ ઉદ્ધવ ઠાકરે એ કહ્યું. વધુમાં કહ્યું કે મારા પર આરોપ મૂકાયો કે મુખ્યમંત્રી ઘરમાંથી બહાર નીકળી રહ્યા નથી. પરંતુ હું વીડિયો કોન્ફરન્સ દ્વારા દરેક જગ્યાએ પહોંચવાની કોશિષ કરી રહ્યો છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમે બધા રાજકીય તોફાનોનો સામનો કરીશું અને કોવિડ સામે પણ લડીશું. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે હું બોલી નથી રહ્યો તેનો મતલબ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરી રહી છે. તોફાન પણ મુંબઇમાં આવીને ગયું. મહારાષ્ટ્ર સરકારે એવી સ્થિતિમાં પણ સારું કામ કર્યું. હું રાજકારણ પર વાત કરીશ નહીં. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની બદનામીનો જે સિલસિલો ચાલી રહ્યો છે. તેના પર તેઓ સીએમ પદનું માસ્ક ઉતારીને વાત કરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે તેઓ રાજ્યમાં એક મુહિમ શરૂ કરી રહ્યા છે. આ મુહિમ ‘મારો પરિવાર, મારી જવાબદારી’ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની દરેક વ્યક્તિ પોતાની જાતિ, ધર્મ, અને ક્ષેત્રને ભૂલીને એક થઇ રાજ્યની આ મુહિમમાં સામેલ થાય. તમામે આ મુહિમ પર ધ્યાન આપવું જોઇએ. માસ્ક જ આપણો બ્લેક બેલ્ટ છે, આજ આપણી રક્ષા કરશે. ભીડની જગ્યા પર માસ્કર ચોક્કસ પહેરો, જો જરૂર ના હોય તો બહાર ના નીકળો. જો બહાર નીકળવું પડે તો ચોક્કસ એલર્ટ રહો. આવનારા દિવસોમાં ઘરે-ઘરે જઇ ૫૫ વર્ષથી ઉપના લોકોના સ્વાસ્થ્યની માહિતી મેળવાશે. ૧૫ સપ્ટેમ્બરથી આ મુહિમ શરૂ થશે.