(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૩
ગુજરાતની નવ વિદ્યાર્થિનીઓને ફસાવી ભગાડી જનાર અને વિવિધ રાજ્યોની પોલીસને થાપ આપનાર ગુજરાતનો શિક્ષક ધવલ ત્રિવેદી ઝડપી લેવામાં દિલ્હી પોલીસ સફળ રહી છે. સીબીઆઈની માહિતીને આધારે ધવલને હિમાચલ પ્રદેશ માંથી ઝડપી લેવામાં આવ્યો છે.
બે વર્ષ અગાઉ શિક્ષક ધવલ ત્રિવેદી જે વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો તે સગીર વયની હોવાને કારણે રાજકોટ પોલીસે પોકસો હેઠળ તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જોકે થોડા સમય પહેલા પેરોલ પર છૂટેલા ધવલ ત્રિવેદી પોતાનો મૂળ ધંધો શરૂ કર્યો હતો અને તેણે ઈંગ્લીશ સ્પીકિંગ ક્લાસ શરૂ કર્યા હતા. આ ઈંગ્લીશના ક્લાસમાં આવેલી ચોટીલાની એક વિદ્યાર્થિની ધવલ ત્રિવેદીના સંપર્કમાં આવતા એક દિવસ અચાનક ધવલ ત્રિવેદી અને વિદ્યાર્થિની ગુમ થઈ ગયા હતા.
આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ ચોટીલા પોલીસમાં ફરિયાદ કરતા ધવલ ત્રિવેદીનો ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં લઈ તરત ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી પોતાની દીકરીનો પત્તો નહીં લાગતા દીકરીના પિતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. એક પછી એક વિદ્યાર્થિનીઓને ફસાવતા ધવલ ત્રિવેદી શોધવામાં ગુજરાત પોલીસ સફળ નહીં થાય તેવી આશંકાને લઈ હાઈકોર્ટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપ્યો હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે સીબીઆઈએ આ મામલે ગુજરાત એટીએસની મદદ માગી હતી. લાંબા સમય સુધી સીબીઆઈ અને એટીએસને ધવલ ની કોઈ ભાળ મળી નહોતી, થોડા મહિના પહેલા આ યુવતીએ પોતાના પિતાને એક ફોન કર્યો હતો. આ ફોન સીબીઆઈ અને એટીએસ માટે આશાનું કિરણ હતો. પોલીસ ટેકનીકલ સર્વેલન્સ આધારે શોધી કાઢ્યું કે ધવલ ઉત્તર પ્રદેશમાં છે. જો કે, સીબીઆઈની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી તે પહેલા ધવલ યુવતી સાથે ત્યાંથી નીકળી ગયો હતો. દર પંદર દિવસે તે પોતાની જગ્યા છોડી બીજી જગ્યાએ જતો રહેતો હતો. આ સ્થિતિથી કંટાળેલી યુવતી અને ધવલ વચ્ચે બિહારમાં ઝઘડો થયો અને ધવલ યુવતીએ છોડીને જતો રહ્યો હતો. ધવલ યુવતી છોડીને નીકળી ગયો તે સમયગાળો લોકડાઉનના હતો. જેના કારણે યુવતીને કોઈની મદદ મળવી મુશ્કેલ હતી. લોકડાઉન ખુલ્યા પછી યુવતીએ પોતાના પરિચયમાં આવેલા એક બિહારી યુવાનને પોતાની મુશ્કેલી જણાવી તો આ બિહારી યુવાન થોડા દિવસો પૂર્વે યુવતીને લઈ ચોટીલા ખાતે તેના પરિવાર પાસે મૂકી ગયો હતો. યુવતીને પરત આવી ગઈ પણ સીબીઆઈ માટે ધવલને શોધવો જરૂરી હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે એક સપ્તાહ પહેલા દિલ્હી પોલીસે ધવલ અંગે જાણકારી મળી હતી. દિલ્હી પોલીસ અધિકારીઓએ સીબીઆઈના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ઓપરેશન ધવલને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે, ધવલ હિમાચલ પ્રદેશમાં છે અને એક ટાઈલ્સ બનાવતી ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યાં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેણે શીખ વેશ અને શીખ નામ પણ ધારણ કરી લીધું હતું. આ માહિતીને આધારે શનિવારે દિલ્હી પોલીસની એક ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી હતી. ત્યારે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદીનો કબજો સોંપવા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ આવશે તેવું જાણવા મળ્યું છે.
પંચમહાલ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ, ગોધરા તરફથી પંચમહાલના જિલ્લા કલેક્ટરને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે રર નંગ ટેમ્પરેચર ગનની સહાય આપવામાં આવી હતી. આ પહેલને પ્રશંસનિય જણાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાની સામેની લડાઈમાં તમામ નાગરિકોનો સહયોગ અને જાગૃતિના માધ્યમથી જીતી શકાશે. એમ મહામંત્રી અ.મુનાફ શેખે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.