ડીસા, તા.૧૦
ડીસામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના કર્મચારીએ બજાજ ફાયનાન્સમાંથી લૉન લીધી ન હોવા છતાં દિલ્હી હાઇકોર્ટના અધિકારીના નામે પૈસા પડાવવા ખોટી રીતે ધમકી આપી જાતિ અપમાનિત શબ્દો બોલતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા દિલીપ રતિલાલ ધર્માણી (રહે. ડીસા)ના મોબાઈલ પર શુક્રવારે ફોન આવેલો અને સામેથી ‘હું દિલ્હી હાઇકોર્ટમાંથી જબ્બરસિંગ બોલું છું તને હાઇકોર્ટ કે થાણામાંથી કોઈ નોટિસ મળી છે ?’ જેથી ના પાડતા તેણે કોઈ રાજેન્દ્રસિંગનો નંબર આપ્યો હતો. ત્યારબાદ તે નંબર પર વાત કરતા તેણે જિગરભાઈ નામના શખ્સને મોકલ્યો હતો. જેથી દિલીપે તેના મિત્ર ધર્મેન્દ્ર ફોફાણીને બોલાવતા અને આવેલા શખ્સને ‘મેં લૉન લીધી ન હોવા છતાં દિલ્હી હાઇકોર્ટના નામે ફોન કોણે કરેલો’ તે પૂછતાં તેને જણાવ્યું ન હતું અને બીજા દસેક માણસોને બોલાવ્યા હતા. જેથી દિલીપે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદ લેવાની ના પાડી માત્ર અરજી સ્વીકારવાનું કહ્યું હતું. જોકે પોલીસે ફરિયાદ ન લેતા બહાર ઊભેલા શખ્સોએ તેને જાતિ અપમાનિત શબ્દો બોલી ધમકી આપી હતી. જેથી આ મામલે દિલ્હી હાઇકોર્ટમાંથી રાજ્ય સેવકના નામે ખોટી રીતે ફોન કરી પૈસા પડાવવાનો કારસો રચાયો હોવા અંગે ફરિયાદ નોંધવા અને તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવા દિલીપ ધર્માણીએ જિલ્લા પોલીસ વડા નીરજબડ ગુજરને લેખિત અરજી આપી છે.