(એજન્સી) તા.૧૫
કોરોના વાયરસની મહામારીને નાથવા શરૂ કરાયેલી ઝૂંબેશ અંતર્ગત શરૂ કરાયેલા કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રોગ્રામ દરમ્યાન હાલ દેશભરમાં ૪૦ લાખ લોકો ઉપર ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહી છે અને ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ટેસ્ટિંગ માટે ૫.૪ કરોડ સેમ્પલ એકત્ર કરાયા છે એમ કેન્દ્રિય મંત્રી અશ્વની ચૌબેએ આજે રાજ્યસભાને માહિતી આપી હતી.
આરોગ્ય રાજ્યમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કોરોના મહામારીની સારવાર માટે ૧૫,૨૯૦ કેન્દ્રો કામ કરી રહ્યા છે જેમાં કુલ ૧૩,૧૪,૧૭૧ બેડ ફક્તને ફક્ત કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવી છે, તે ઉપરાંત ૨,૩૧,૨૬૯ બેડ એવી છે જેની સાથે ઓક્સિજનના સિલિન્ડરની સુવિધા ઉપલબ્ધ છે અને ૬૨,૬૯૪ આઇસીયુ બેડ છે જેમાં ૩૨,૨૪૧ જેટલા વેન્ટિલેટર ફિટ કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર અંગેની ગાઇડલાઇન્સ જાહેર કરી દેવાઇ છે અને દરેક રાજ્યોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે એમ ચૌબેએ કહ્યું હતું. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં દેશના રાજ્યોની અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં ૧.૩૯ કરોડ પીપીઇ કિટ, ૩.૪૨ કરોડ એન-૯૫ માસ્ક, ૧૦.૮૪ હાઇડ્રોક્ષીક્લોરોક્વિન ટેબલેટ, ૨૯,૭૭૯ વેન્ટિલેટર અને ૧,૦૨,૪૦૦ જેટલા ઓક્સિજન સિલિન્ડરો પહોંચાડી દેવામાં આવ્યા છે એમ આરોગ્ય રાજ્યમંત્રીએ રાજ્યસભાને સરકારની કામગીરીનો અહેવાલ દર્શાવતા કહ્યું હતું. કોરોના વાયરસની રસીના સંશોધનમાં અત્યાર સુધી થયેલી પ્રગતિનો ચિતાર રજૂ કરતાં ચૌબેએ કહ્યું હતું કે હાલ દેશમાં ૩૦ જેટલી કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વાયરસની રસી વિકસાવવાના કાર્યમાં જોતરાયેલી છે અને તેઓની રસી પહેલા, બીજા અને ત્રીજા ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં છે. કેન્દ્ર સરકાર આ તમામ રસીઓના સંશોધનમાં જરૂરી તમામ પ્રકારની મદદ કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. ગત ૭ ઓગસ્ટના રોજ નીતિ આયોગે કોરોનાની રસીના તમામ પ્રકારના વહિવટ માટે એક નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞાનિકોના જૂથની રચના કરી દીધી છે. કોવિડ-૧૯ના દર્દીની વૈકલ્પિક સારવાર માટે ૧૩ અન્ય દવાઓના પણ ક્લિનિકલ ટ્રાયલ હાલ ચાલી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા, રોકવા અને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે તેની તમામ તાકાત લગાડી દીધી છે અને હાલ અમે એક આખી સરકાર એક આખો સમાજનો અભિગમ અપનાવી રહ્યા છીએ એમ ચૌબેએ કહ્યું હતું.