Site icon Gujarat Today

સરહદ વગર કલાની કમાલ : મહામારીએ સાહિત્યના સેતુ દ્વારા બે પંજાબને પ્રગાઢ રીતે નિકટ લાવીને મૂકી દીધા

પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ વચ્ચે સરહદ વિભાજનને જોડવા માટે ડિજીટલ સ્પેસ હવે ભૂમિકા ભજવી રહ્યું છે

(એજન્સી) તા.૨૪
કોરોના વાયરસ કહેર વચ્ચે લીલાપુર યંગ હિસ્ટોરીન ક્લબ દ્વારા ૫, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વાર્ષિક પંજાબી સાહિત્યિક સામયિક બારામાહનો બીજો અંક ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યો હતો. આ અંકનું વિમોચનનું જીવંત પ્રસારણ કરાયું હતું અને મહેમાનોએ લંડન, લાહોર, લીલાપુર, લુધિયાણા અને વિન્ડસર ખાતેના પોતાના નિવાસસ્થાનેથી આ અંકના વિમોચનમાં ઓનલાઇન હાજરી આપી હતી.
આ પત્રિકા ઝુબેર અહેમદ અને અમરજીત ચંદન દ્વારા સહસંપાદિત કરવામાં આવે છે અને ફારસી અને અરબી લિપિમાં લાહોરથી પ્રકાશિત કરવામાં આવે છે. આ સામયિકમાં વિદ્વતાપૂર્ણ નિબંધોથી ટૂંકી વાર્તાએા અને કવિતાઓ, પેન્ટિંગ, સિનેમા અને સંગીત પર સમીક્ષા, સંસ્મરણો અને લેખકો અને વિદ્વાનોની મુલાકાતોને સામયિકમાં સ્થાન આપવામાં આવે છે. લંડનમાં રહેતાં અમરજીત ચંદને ૧૯૭૦માં પંજાબીમાં પ્રથમ એવા ક્રાંતિકાર ભૂગર્ભીય સાહિત્યિક સામયિક દસ્તાવેજનું સંપાદન કર્યુ હતું. લાહોર સ્થિત ઝુબેર અંગ્રેજી સાહિત્યના નિવૃત્ત પ્રાધ્યાપક છે કે જેઓ પંજાબીમાં પણ લખે છે. બારામાહના ૨૦૨૦ના અંકમાં પંજાબી સમુદાયમાં પ્રવર્તતા મતભેદો માટે સેતુરૂપ ભૂમિકા ભજવવા પંજાબી ભાષા અને અસ્મિતા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આમ પંજાબી સમુદાય માત્ર સરહદો દ્વારા જ વિભાજિત નથી પરંતુ સ્ક્રિપ્ટ દ્વારા પણ વિભાજિત છે.
આ રીતે કોરોના મહામારીએ સાહિત્ય દ્વારા બે પંજાબને ગાઢ અને પ્રગાઢ રીતે એકદમ નિકટ લાવીને મૂકી દીધા છે. આ એક પ્રકારની સરહદ વગરની કલાની કમાલ છે. પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ વચ્ચે સરહદ વિભાજનને જોડવા માટે ડિજીટલ સ્પેસ હવે ભૂમિકા ભજવી રહ્યું છે. બારામાહ સામયિકમાં એધરાલા પંજાબ, ઓધરાલા પંજાબ અને તીજા પંજાબ (આ પંજાબ, તે પંજાબ અને ત્રીજા પંજાબ)માંથી પ્રદાન આવે છે. આ ઉપરાંત આ સામયિકને વિશ્વભરના લેખકોનો લાભ મળે છે અને વિશ્વભરના લેખકો પોતાના લખાણો દ્વારા યોગદાન આપે છે.

Exit mobile version