Site icon Gujarat Today

ઈરાકમાં કોવિડના કેસો વધતાં ડોકટરો સામે થતી હિંસામાં વધારો

 

(એજન્સી) બગદાદ,તા.૨૪
ઈરાકી ડોક્ટર અલ- શેઈબની એ ઘટનાને યાદ કરી ગમગીન થઇ ગયો જેમાં એમની ઉપર સારવાર દરમિયાન મૃત્યુ પામેલ કોવિડના દર્દીના કુટુંબીજનો તૂટી પડ્યા અને મૂઢ માર મારી એને બેભાન કરી દીધા હતા.
૨૮મી ઓગસ્ટે આ ઘટના બની હતી. એના અઠવાડિયાઓ પછી પોતાના ઘર કુફામાં શેઈબનીએ જણાવ્યું કે અહીં બધા જ ડોકટરો ભય હેઠળ કામ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ કોવિડનો દર્દી મૃત્યુ પામે છે ત્યારે અમારા શ્વાસ અદ્ધર થઇ જાય છે.
ઈરાકમાં કોવિડના કેસો ઝડપથી વધી રહ્યા છે. બધા ડોક્ટરોની સાથે એ પણ છે જે પોતાની ફરજ બજાવવા સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ એવી હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે જે દાયકાઓથી દેશમાં ચાલી રહેલ ગૃહયુદ્ધના લીધે રઝળેલ હાલતમાં છે અને હવે એમાં એમની સામે શારીરિક હુમલોનો ભય પણ ઉમેરાયો છે. જે ભય દર્દીઓના કુટુંબીજનો દ્વારા થઇ રહ્યો છે.
ઈરાક મેડિકલ એસોસીએશનના વડા સમેત સાત ડોકટરો સાથે થયેલ વાતચીતમાં જાણવા મળ્યું કે ડોકટરો અને મેડિકલ સ્ટાફ ઉપર હુમલાઓ વધતા જાય છે.
ઈરાકમાં કાવિડના કેસો સતત વધી રહ્યા છે હજુ સુધી આંકડો ૩ લાખને પાર કરી ગયો છે જેમાં ૮૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. જેનાથી ડોકટરો અને હેલ્થ કર્મીઓમાં ભય પ્રસરી રહ્યો છે. જો કે આ બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
શેઈબનીને માર મારવાનો વીડિયો વાયરલ થયા પછી એમણે કહ્યું કે કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીના કુટુંબીજનોએ મૃત્યુ માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફને જવાબદાર ઠરાવ્યા. દર્દી હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો હતો. એ છેલ્લા સ્ટેજ પર હતો. એના લીધે મૃત્યુ પામ્યો અને એ માટે તેઓ અમને જવાબદાર ઠરાવી રહ્યા છે. એમણે કહ્યું કે હું મારી જાતને નફરત કરી રહ્યો છું કે હું ઈરાકમાં ડોક્ટરના વ્યવસાય સાથે જોડાયો છું. અહિયાં હોસ્પિટલોમાં સુરક્ષાના કોઈ પગલાં લેવાતા નથી. કોવિડ વોર્ડમાં દર્દીઓના સગાંઓ છૂટથી ફરે છે. કોઈ પણ રોકટોક નથી.
બીજી બાજુ ઈરાકમાં ડોકટરો અને નર્સોની તીવ્ર અછત છે. ઘણા યુવા ડોકટરોને ૧૨-૧૬ કલાક સુધી ફરજ બજાવવી પડે છે જેના લીધે ભૂલો થાય એ સ્વાભાવિક છે. અમુક ડોકટરો દવાઓ આપવા માટે લાંચ પણ લે છે. બગદાદમાં ૨૭ વર્ષીય ડોક્ટર અબ્બાસ અલાઉદ્દીન જેમની ઉપર કોવિડના દર્દીનું મૃત્યુ થયા પછી એમના કુટુંબીજનો દ્વારા હુમલો કરાયો હતો. એમણે કહ્યું કે હું અન્ય દેશમાં શરણ લેવા વિચારી રહ્યો છું. અહિયાં પરિસ્થિતિ ખૂબ ખરાબ અને અસહનીય છે.

Exit mobile version