Site icon Gujarat Today

યુપીના મુખ્ય સચિવ તથા DGPને રાહુલ ગાંધી સાથે કરાયેલી ગેરવર્તણૂંક મામલે NHRCની નોટિસ

 

(એજન્સી) તા.૧૪
વધુ એક દુર્લભ મામલે નેશનલ હ્યુમન રાઇટ્‌સ કમિશન (એનએચઆરસી)એ ઉત્તરપ્રદેશની ભગવાધારી ભાજપ સરકારના મુખ્ય સચિવ તથા ડીજીપીને ઉત્તરપ્રદેશના પોલીસકર્મીઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરાયેલી ગેરવર્તણૂંક બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે ૧ ઓક્ટોબરના રોજ હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસની પીડિતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે યુપી પોલીસના કર્મચારીઓ દ્વારા તેમને અટકાવાયા હતા અને તેમની સાથે ધક્કામુક્કી કરીને તેને પાડી દેવામાં આવ્યા હતા. આવી ઘટના બદલ ઉત્તરપ્રદેશ પોલીસ સહિત સરકારની પણ આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધીમાં યુપી સરકાર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી કે કેવા પગલાં ભરવામાં આવ્યા છે તે અંગે પણ રિપોર્ટની માગ કરવામાં આવી છે. આગામી ચાર અઠવાડિયામાં આ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તેમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સમયસર આ મામલે રિપોર્ટ સબમિટ નહીં કરવામાં આવે તો કમિશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. વારાણસીના એક માનવાધિકાર કાર્યકર લેનિન રઘુવંશીએ એનએચઆરસી સમક્ષ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આ ફરિયાદ એ જ દિવસે નોંધાવી દીધી હતી જ્યારે ઉત્તરપ્રદેશ પોલીસે પીડિત પરિવારને મળવા જઈ રહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા.

Exit mobile version