(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૫
વંથલીમાં આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દીના નેતૃત્ત્વમાં એક રોષપૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધી નાયબ કલેકટરને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મૂકામે તાજેતરમાં લઘુમતિ સમાજની બાળા ઉપર થયેલ બળાત્કારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં છાશવારે આવી ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે. કોડીનારની ઘટનામાં સત્તાધારી પક્ષના એક રાજકીય માધાંતાની સંડોવણીને પગલે સ્થાનિક પોલીસ મંદ ગતિએ આગળ વધી રહી હોય આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન મારફત કરાવવા અને આરોપી વિરૂદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભોગ બનનાર બાળાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહયોગ ચુકવવા અને આ બાળા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન પૂરૂં પાડવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી, મૌલાના રઉફ શિરાઝી, બાવામિયાં સૈયદ, રહેમાનશા સર્વદી, ઓસમાણશા સર્વદી સહિત મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.