(એજન્સી) તા.૨૪
ઉ.પ્ર.માં શું ચાલી રહ્યું છે. ભારતનું બંધારણ કમસેકમ સૈદ્ધાંતિક રીતે હજુ પણ રાજ્યને લાગુ પડે છે, તેમ છતાં કોઇ ઇમર્જન્સી લાદવામાં આવી નથી. ભગવાધારી મુખ્ય પ્રધાન પોતાની હિંદુ યુવા બ્રિગેડ ઊભી કરવા સહિત નફરત ભડકાવવાની કારકિર્દી સાથે રાજ્યને હિંદુ રાષ્ટ્રની જેમ ચલાવી રહ્યાં છે અને બંધારણને જાણે મૃતપ્રાય બનાવી દીધું છે. મુસ્લિમો વિરુદ્ધ પોતાના ખુલ્લેઆમ યુદ્ધ સાથે તેઓ તેની સમાંતર નીચલી જ્ઞાતિઓને ધાક ધમકાવવાનું ચાલુ રાખ્યું છે. આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યાંના થોડા સપ્તાહો બાદ તેમની રાજપૂત જ્ઞાતિના ઠાકુરોએ સહરાનપુરમાં આંબેડકરની પ્રતિમા ઊભી કરવા માટે ૫૦ દલિત ઘરો સળગાવ્યાં હતાં. તાજેતરમાં હાથરસની ૧૯ વર્ષી દલિત યુવતી પર પાશવી ગેંગરેપ અને હત્યાની ઘટનાએ હુમલાની પાશવતા માટે જ નહીં પરંતુ ઠાકુર જ્ઞાતિના કહેવાતાં આરોપીઓને બચાવવા માટે પ્રશાસનના શરમજનક પ્રયાસથી દેશનો આત્મા ખળભળી ઊઠ્યો છે. આદિત્યનાથ એક એવા નેતા છે કે જેઓ સન્માનના પ્રતિક તરીકે પોતાની કટ્ટરવાદી ધર્માંધતાને વિંઝે છે. ભારતીય મુસ્લિમો માટે પોતાની ખુલ્લેઆમ નફરતમાં તેમણે સત્તારૂઢ થયાની સાથે જ ગેરકાયદે કતલખાનાઓ બંધ કરીને માંસના વ્યાપાર પર કાર્યવાહી શરુ કરી હતી. તેમનો હેતુ આ વ્યાપાર સાથે સંકળાયેલ ગરીબ મુસ્લિમોની આજીવિકાને ખતમ કરવાનો હતો. તેઓ જેમણે ગંભીર રીતે સહન કરવું પડ્યું છે એવા લાખો દલિતોના સમાંતર નુકસાન પ્રત્યે ઉદાસીન રહ્યાં હતાં. ઇસ્લામોફોબિયા સાથે તેમના ભાષણો અવિરત ચાલુ રહ્યાં છે. લોકડાઉન દરમિયાન કેટલાય જિલ્લાઓમાં અઝાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તબલગી જમાતના સભ્યોને નિયત ૧૪ દિવસ કરતાં વધુ સમય માટે કોઇ પણ જાતના વૈજ્ઞાનિક કારણ વગર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. આ લોકોને મહિનાઓ સુધી ક્વોરન્ટાઇ કરાયાં હતાં અને ઘણાને જેલ ભેગા કરાયાં હતા. અયોધ્યામાં શિલારોપણ વિધિ ખાતે ભૂમિ પૂજન બાદ મુખ્ય પ્રધાને સ્પષ્ટ જણાવ્યું હતું કે એક યોગી અને એક હિંદુ તરીકે તેઓ મસ્જિદના શિલારોપણ વિધિમાં જોડાશે નહીં કે જેનું નિર્માણ કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. તેમણે આગ્રામાં મોગલકાળની સ્થાપત્ય સિદ્ધિ સમાન મોગલ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મ્યુઝિયમ કરી નાખ્યું હતું. તેમણે એવો સવાલ કર્યો હતો કે આપણા હીરો મોગલ કઇ રીતે હોઇ શકે ? આમ સીએએ વિરોધી લોકતાંત્રિક દેખાવોને પાશવી બળ સાથે તેનું અપરાધીકરણ કરવાથી લઇને અસરકારક રીતે વિરોધને કચડી નાખવા સુધી અને હાથરસ કેસમાં અણઘડ રીતે કામ લઇને આદિત્યનાથે પોતાની સરકાર માટેનો એક સ્પષ્ટ માર્ગ નિર્ધારીત કર્યો છે. (સૌ. : ધ વાયર.ઈન)