બંધ હોલમાં કેપેસિટીના ૫૦ ટકા લોકોને હાજર રહેવા માટે અપાઈ છૂટ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
કોરોનાની મહામારીને લઈ લગ્ન સમારંભો-ધાર્મિક કાર્યક્રમો સહિતના આયોજનો લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અનલોકમાં ધીમે-ધીમે છૂટછાટ આપવામાં આવતાં ફરી આયોજનો થવા લાગ્યા હતા. તેમાં હવે ગુજરાત સરકારે લગ્ન સમારંભો માટે વધુ છૂટછાટ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી રાજ્યમાં આવતી કાલથી લગ્ન સમારંભોમાં ૨૦૦ લોકો હાજર રહી શકશે.
કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં ૨૦૦ લોકોને ભેગા થવાની છૂટ આપી છે.અત્યારસુધી લગ્નપ્રસંગમાં ૧૦૦ લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે ૨૦૦ લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.
લગ્ન સમારંભોમાં અપાયેલી વધુ છૂટછાટની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું કડક પાલન કરવું પડશે. લગ્ન સમારંભોમાં ચહેરા યોગ્ય રીતે ઢાંકી રાખવા ઉપરાંત થર્મલ સ્કેનર, સેનિટાઈઝર સાથે ઓક્સિમીટરની સુવિધા રાખવા સહિતની સૂચનાનો અમલ કરવાનો રહેશે.
સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં ૯૦૦થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા માટે પણ છૂટ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
કન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.