વડોદરા, તા.૩
ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. સાંજે ૫ વાગ્યા સુધીમાં કરજણ બેઠક પર ૬૧.૫૦ ટકા મતદાન થયું છે.કજરણના ભરથાણા ગામ ના બુથ નં-૮૯ ઉપર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે પણ મતદાન કર્યું હતું. બંનેએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા હતો. કરજણ બેઠકના સાધલી બુથ નં-૧૯૮માં કોંગ્રેસના બુથ એજન્ટ અલ્તાફ રંગરેજને વગર કારણે વારંવાર બુથ છોડીને ડીવાયએસપી પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા કરે છે, તેવી ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરી છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે કરજણ વિધાનસભા બેઠક માટે ચાલી રહેલા મતદાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અણખી અને કંડારી સહિતના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને કોરોના સુરક્ષિત મતદાન માટેની પંચની ગાઇડલાઇનના મતદાન મથકો ખાતે પાલનની ચકાસણી કરી હતી.
મિયાગામ કરજણ, દેથાણ અને સાપા ત્રણ સ્થળોએ ઈફસ્ ખોટકાતા મતદાન સમયસર શરૂ ન થયું હતું. કરજણ બેઠક પર ૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ, અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.
કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને આજે તમામ ૩૧૧ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ચૂંટણીમાં પહેલીવાર સરકારની કોવિડ-૧૯ ગાઈડલાઈન મુજબ દરેક મતદારોને મતદાન કરવા માટે હેન્ડ ગ્લોઝ આપવામાં આવ્યા હતા. તેમજ મતદાન મથકમાં પ્રવેશતા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવ્યુ હતું અને હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક પણ ફરજીયાત પહેરનાર નેજ મત આપવા દેવામાં આવ્યા હતા. કોરોના મહામારીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કરજણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાતા સવારથી મતદાન મથકો પર મતદારો સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સાથે મતદાન કરવા પહોંચ્યાં હતા. જે તસવીરમાં દૃશ્યમાન થાય છે.