(એજન્સી) તા.૬
અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ તરીકે ભલે ગમે તે વ્યક્તિ ચૂંટાય પરંતુ ઉઇગર મુસ્લિમોને એવી આશા છે કે આગામી ચાર વર્ષમાં ચૂંટાનાર પ્રશાસન ચાઇનીઝ કેમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ઉઇગર મુસ્લિમો પર થતાં અત્યાચારો અટકાવીને નવેસરથી પ્રતિબદ્ધતા દાખવશે એવું કેમ્પેન ફોર ઉઇગર દ્વારા જણાવાયું છે.
ઉઇગરને માનવી તરીકેના તેમના પાયાના અધિકારો નકારવામાં આવ્યાં છે કારણ કે તેમની જમીન પર આપખુદી પ્રશાસને કબજો જમાવી દીધો છે અને હવે સક્રિય નરસંહારનો સામનો કરી રહ્યાં છે અને વિશ્વ પ્રસિદ્ધ બ્રાંડ દ્વારા તેમનો આધુનિક ગુલામ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીએફયુએ નોંધ્યું છે કે શું અમેરિકાના નવા પ્રમુખ ઉઇગર નરસંહારનો અંત લાવવાના કાર્યને અગ્રીમતા આપશે ? અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના જિનજીયાંગ પ્રાંતમાં ૧ કરોડ જેટલા ઉઇગરો વસે છે. આ તુર્કી મુસ્લિમ ગ્રુપે એવો આક્ષેપ કર્યો છે કે ચીન સત્તાવાળાઓ તેમની સાથે આપખુદી, ધાર્મિક અને આર્થિક ભેદભાવ રાખે છે. જિનજીયાંગની ૭ ટકા મુસ્લિમ વસ્તીને જેલમાં ધકેલી દેવામાં આવી છે. જો કે ચીન ઉઇગર મુસ્લિમો પ્રત્યે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપોનો નકારે છે. ચાઇના કેબલ તરીકે ઓળખાતા વર્ગીકૃત દસ્તાવેજોએ ગઇ સાલ ચીન સરકાર વિશ્વવ્યાપી ઉઇગર મુસ્લિમોને કાબૂમાં રાખવા ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરે છે તે દર્શાવેલ છે. ચીન જો કે જણાવે છે કે તેમના દ્વારા ઉઇગર મુસ્લિમો માટે જે શિબિરો રાખવામાં આવે છે તેમાં વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. પરંતુ આ નજરકેદ છાવણીઓમાં તેમના પર રાજકીય સિદ્ધાંતો થોપવામાં આવે છે. તેમના પર ટોર્ચર ગુજારીને મારપીટ કરવામાં આવે છે. તેમને ખોરાક અને દવાથી વંચિત રાખવામાં આવે છે અને એટલે સુધી કે તેમને તેમના ધર્મનું આચરણ કરવા દેવામાં આવતું નથી કે તેમની ભાષાનો પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.