(સંવાદદાતા દ્વારા)
ટંકારીઆ, તા.૬
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાનાનો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો. સદર દવાખાનું તમામ તબક્કાના લોકો માટે નાતજાત ના ભેદભાવ વગર રાહતદરે દર્દીઓની સારવાર કરશે. હાલના મોંઘવારીના યુગમાં મેડિકલ સ્ટોર પર મળતી દવાઓ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને મોંઘી પડી રહી હોય એ લોકો માટે શિફા દવાખાના માં ઉપલબ્ધ દવાઓ રાહતરૂપ પૂરવાર થશે.
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાનાનો ઉદ્ઘાટન સમારંભ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને યોજાયો હતો જેમાં શરૂઆત કુર્આન શરીફના પઠનથી કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ દવાખાનાનો ઉદ્દેશ અને હેતુની સવિસ્તાર માહિતી ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી દ્વારા આપવામાં આવી હતી. આ સમારંભમાં ગામ તથા પરગામથી મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં ટંકારીઆ જામે મસ્જિદના પેશ ઇમામ અબ્દુલરઝાક અશરફી, પાટણવાળા બાવાસાહેબ, વડોદરાથી ઓલ ગૂજરાત ટ્રસ્ટ નિગરા સય્યદ મુઝફ્ફરહુસેન, સલીમ હાફેઝી વાંતરસાવાળા તથા અબ્દુલ્લાહ કામથી, રતિલાલભાઈ પરમાર, શબ્બીર હાજી વાઝા વ્હાલુવાળા તથા હશનભાઈ તેમજ ગામના તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, ઉમતા ઝાકીર, યાસીન શંભુ, શનાભાઈ વસાવા તથા ગામના નવયુવાનો અને વડીલોએ હાજરી આપી હતી. અંતમાં સય્યદ મુઝફ્ફરહુસેન અને પાટણવાળા બાવા સાહેબના હસ્તે રીબીન કાપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારંભનું સંચાલન ઈદ્રીશભાઈ કબીર સાહેબ ઉર્ફે “દર્દ ટંકારવી”એ કર્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખડે પગે રહી સમારંભને સફળ બનાવ્યો હતો.