(એજન્સી) એ.એફ.પી. ન્યુઝ, તા.૧૦
સઉદી અરબની રાજકુમારીના પેરિસ ખાતે આવેલ ઘરમાં ચોરોએ તોડફોડ કરી ૭ લાખથી વધુ ડોલરની કિંમતના સામાનની ચોરી કરી હતી, એ.એફ.પી.એ ગયા અઠવાડિયે સમાચારો આપ્યા હતા. વૈભવી વસ્તુઓ જેમાં ૩૦ હર્મેસ બેગો પણ હતી, એક કર્ટીયર વૉચ, ઝવેરાત અને અન્ય સામાન હતો. આ ચોરી એમના પેરિસમાં એવેન્યુ જોર્જની બાજુમાં આવેલ સઉદી રોયલના ફ્લેટમાંથી ઓગસ્ટના અંતમાં અને નવેમ્બરમાં થઇ હતી. રાજકુમારીનું નામ જાહેર કરાયું નથી, પણ ચોરીની ખબર ત્યારે પડી જ્યારે એ દક્ષિણ ફ્રાંસમાંથી પોતાના પેરિસના ઘરમાં પાછી આવી હતી, જે ઉનાળા પછીની એમની પ્રથમ મુલાકત હતી. ૪૭ વર્ષીય રાજકુમારીને ચોરી થવાથી સખત આઘાત થયો જેથી એમને જોર્જીસ પોમ્પીડોઉં યુરોપિયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, હજુ સુધી એ ભાનમાં આવ્યાં નથી અને પોલીસને કંઈ પણ જણાવ્યું નથી. પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. જે એક ખાસ પોલીસ ફોર્સ દ્વારા કરવામાં આવે છે. જે હથિયારધારી ચોરો અને ગુનેગારો દ્વારા આચરાયેલ ગુનાઓની તપાસ કરે છે. તપાસ કરનાર અધિકારીઓએ જણાવ્યું કે અમે સ્થાનિકો અને આજુબાજુવાળાઓેથી પૂછપરછ કરી રહ્યા છીએ અને એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવી તપાસ કરી રહ્યા છીએ. રાજકુમારીના બે વકીલો તપાસ અધિકારીઓ સાથે મળી તપાસની પ્રગતિ અંગે અહેવાલ મેળવી રહ્યા છે. ફ્રેંચ અખબારે સમાચારો આપ્યા હતા કે રાજકુમારીના ફ્લેટમાં ઓગસ્ટ મહિનામાં રહેલ વ્યક્તિ શંકાના દાયરામાં છે. કારણ કે ચાવીનો એક સેટ એમની પાસે રહેતો હતો, જે ચાવીઓ ગુમ થયેલ છે. અને એવા પણ કોઈ સંકેતો નથી કે ચોરોએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હોય.