Site icon Gujarat Today

કોરોનાની કોવેક્સિનનું અમદાવાદમાં પરીક્ષણ શરૂ પ્રથમ દિવસે પાંચ લોકોએ ટેસ્ટિંગ કરાવ્યું

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૬
વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાની રસી બનાવવા વિશ્વના કેટલાક દેશો લાગી ગયા છે. જેમાં કેટલાક તેમાં સફળ થયા હોવાના દાવા કરાઈ રહ્યા છે. એ જ રીતે ભારતમાં પણ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કો વેક્સિન પરીક્ષણ માટે અમદાવાદ લાવવામાં આવી છે. જેનું આજથી ટ્રાયલ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે આજે પ્રથમ દિવસે પાંચ લોકોએ ટેસ્ટિંગ માટે તૈયારી દર્શાવી હતી તેમની પાસે દસ પાનાનું ફોર્મ ભરાયા બાદ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ, મહિલાઓ, બિઝનેસમેન વગેરે સમાજની એક જવાબદારીના ભાગરૂપે ટ્રાયલ માટે સોલા સિવિલ પહોંચ્યા હતા. જ્યારે સિવિલ તંત્ર દ્વારા કેટલાક વૉલન્ટિયરને સામેથી ફોન કરીને બોલાવવા પડ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન ટ્રાયલ માટે લાવવામાં આવી છે. જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવાર સુધી રોજ સવારે ૧૦થી ૧માં અપાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પાંચ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જે આગામી દિવસમાં રોજની ૨૫ વેક્સિન સુધી આપવાની અમારી તૈયારી છે. ટ્રાયલ માટે આવેલા વૉલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. બાદમાં તેમની પાસે એક સહી કરાવીને તેમને વેક્સિન આપવામાં આવે છે.
વેક્સિન માટે ખાસ કોલ્ડસ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું
સોલા સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મેડિસિન વિભાગમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આપવામાં આવે છે. આ વેક્સિન હાલ હોસ્પિટલમાં આવેલી લેબમાં રાખવામાં આવી છે, જેના માટે કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરાઈ છે
સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ એની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલાં તંદુરસ્ત લોકોને જ આપવાની શરૂઆત કરવામાં આવી છે. વૉલન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપરવર્ક કરી તેની અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે.એક વખત વૉલન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવે છે. ત્યાર બાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવે છે. જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવે છે. ત્યાર બાદ સાત દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Exit mobile version