Site icon Gujarat Today

ગ્લોબલ કરપ્શન બેરોમિટર ફોર એશિયા દ્વારા કરાયેલ સર્વે ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ : ભ્રષ્ટાચારને ડામવાનો PM મોદીના દાવાનું સૂરસૂરિયું

ભારતમાં લાંચ-રૂશ્વતનો દર ૩૯ ટકા છે, ૪૭ ટકાના મતે ૧૨ મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યો, દર ૪માંથી ૩ લોકો માને છે કે સરકારી ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા, ભારતમાં પોલીસના સંપર્કમાં આવેલા ૪૨ ટકા લોકોએ લાંચ આપી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
૪૭ ટકા ભારતીયોનું માનવું છે કે, દેશમાં છેલ્લા ૧૨ મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યો છે, જ્યારે ૬૩ ટકા માને છે કે સરકારે ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે સંતોષકારક કામગીરી કરી છે. કદાચ આ સાથે જ ’ફીલ ગુડ’ ફેક્ટરનો અહીં અંત આવી જાય છે.
એશિયામાં ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ છે, જે ૩૯ ટકા જેટલું ઉંચું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના સર્વે રિપોર્ટ અનુસાર, ભારતમાં ૪૬ ટકા લોકોએ જાહેર સેવાનો ઉપયોગ કરવા માટે અંગત સંપર્કોનો ઉપયોગ કરવો પડ્યો હતો. લાંચ આપનારામાં ૫૦ ટકા લોકો પાસેથી તેની માગણી કરવામાં આવી હતી, જ્યારે જાહેર સેવા માટે અંગત સંપર્કોનો ઉપયોગ કરનારા ૩૨ ટકા લોકોએ કબૂલ્યું હતું કે જો તેમણે એમ ના કર્યું હોય તો તેમને જાહેર સેવાનો લાભ ના મળી શક્યો હોત.
ભારત બાદ ૩૭ ટકા ભ્રષ્ટાચારના દર સાથે કંબોડિયા બીજા અને ૩૦ ટકા સાથે બીજા અને ત્રીજા નંબરે આવે છે. જ્યારે માલદીવ અને જાપાન સૌથી ઓછો (૨ ટકા) ભ્રષ્ટાચારનો દર ધરાવે છે. સાઉથ કોરિયા અને નેપાળમાં લાંચરુશ્વત લેવાનું પ્રમાણ અનુક્રમે ૧૦ અને ૧૨ ટકા છે. જોકે, આ દેશોમાં પણ ભ્રષ્ટાચાર નીવારવા સરકાર અનેક પગલાં ભરી શકે તેમ છે તેવું રિસર્ચ કરનારી સંસ્થાનું કહેવું છે.
જાપાનમાં જાહેર સેવાનો ઉપયોગ કરવા માત્ર ૪ ટકા લોકોને અંગત સંપર્કોનો ઉપયોગ કરવો પડ્યો હતો. જ્યારે, ભારતમાં આ પ્રમાણ ૪૬ ટકા જેટલું ને ઈન્ડોનેશિયામાં ૩૬ ટકા જેટલું ઉંચું હતું. અગાઉના રિપોર્ટમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે જણાવ્યું હતું કે દુનિયાના ૧૮૦ દેશોમાં ભ્રષ્ટાચાર બાબતે ભારત ૮૦મા ક્રમે આવે છે.
રિપોર્ટ મુજબ, દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે પોલીસ અને સ્થાનિક અધિકારી લાંચ લેવાના મામલામાં સૌથી આગળ છે. આ લગભગ ૪૬ ટકા છે. ત્યારબાદ દેશના સાંસદ આવે છે જેમના વિશે ૪૨ ટકા લોકોએ આવો મત રજૂ કર્યો છે. બીજી તરફ, ૪૧ ટકા લોકો માને છે કે લાંચખોરીના મામલામાં સરકારી કર્મચારી અને કોર્ટમાં બેઠેલા ૨૦ ટકા જજ ભ્રષ્ટ છે.
પોતાના લેટેસ્ટ સર્વે રિપોર્ટ ’ગ્લોબલ કરપ્શન બેરોમીટર- એશિયા’માં સંસ્થાએ જુનથી સપ્ટેમ્બર સુધીમાં ૧૭ દેશોના ૨૦ હજાર લોકોનો સર્વે કર્યો હતો. જેમાં તેમને છેલ્લા ૧૨ મહિનામાં તેમા દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે કે ઘટ્યો છે તે અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જે જાહેર સેવાઓના ઉપયોગનો ઉલ્લેખ કરાયો છે તેમાં પોલીસ, સરકારી હોસ્પિટલ, દસ્તાવેજને લગતી સેવાઓ તેમજ અન્ય જરુરિયાતને લગતી સેવાઓનો સમાવેશ થાય છે.
ભારતમાં જે લોકોને સર્વે હેઠળ આવરી લેવાયા હતા, તેમાંના પોલીસના સંપર્કમાં આવેલા ૪૨ ટકા લોકોને લાંચ આપવી પડી હતી. આઈડી પેપર્સ જેવા ઓફિશિયલ ડોક્યુમેન્ટ મેળવવા માટે પણ દેશમાં લાંચ આપવી પડે છે.
ભારતમાં આ સિવાય અંગત સંપર્કોનો ઉપયોગ પોલીસનું કોઈ કામ પડે ત્યારે તેમજ આઈડી પ્રુફ મેળવવા પણ કરવો પડે છે. રિપોર્ટમાં ચિંતા ઉપજાવે તેવી એક વાત એ પણ જણાવાઈ છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં જોખમ છે તેવું માનનારા લોકોની સંખ્યા ૬૩ ટકા જેટલી થાય છે.

Exit mobile version