(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને કહ્યું છે કે તેઓએ જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિ.ના વિદ્યાર્થીનું જે કબૂલાત નિવેદન નોધ્યું હતું એ નિવેદન મીડિયામાં લીક થવાની ઘટના બાબત કરાયેલ વિજીલન્સ તપાસની રિપોર્ટ રજૂ કરે. આ વિદ્યાર્થીની ધરપકડ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો સંદર્ભે કરાઈ હતી. જજે પોલીસને કહ્યું છે કે રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવે કે આ અંગે તેઓએ શું પગલાં લીધા છે જે તેમને લેવાના હતા.
દિલ્હી પોલીસ તરફે રજૂઆત કરતા વકીલ અમિત મહાજને કોર્ટને જણાવ્યું કે કબૂલાત નિવેદન પોલીસની કેસ ડાયરીમાંથી લીક થયો હતો અને એની વિજીલન્સ તપાસ કરવામાં આવી રહી છે. એમણે સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા થોડા સમયની માંગણી કરી હતી.
હાઇકોર્ટ વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હા દ્વારા દાખલ થયેલ અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં એમણે પોલીસ ઉપર નિવેદન લીક કરી ગેરવર્તણુકના આક્ષેપો મૂક્યા હતા. જે નિવેદન પોલીસે તપાસ દરમિયાન નોંધ્યો હતો.
તન્હા તરફે હાજર રહેલ વકીલે રજૂઆત કરી કે નિવેદન લીક થયા બાબત પગલાં લેવા ઉપરાંત કોગ્નિઝેબલ ગુનો પણ આચરાયું છે એ માટે જરૂરી પગલા લેવા જોઈએ. એમણે કહ્યું કે ઝીન્યુઝ અને ઓપઇન્ડિયા દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજોનું કૃત્ય કાર્યક્રમ આચારસંહિતાનું ભંગ છે અને આ માટે લેખિત નિવેદન રજુ કરવા સમયની માંગણી કરી હતી.
હાઇકોર્ટે ફેસ બુક અને યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયાઓને પક્ષકારો તરીકે દૂર કર્યું હતું અને આગામી સુનાવણી ૧૮મી જાન્યુઆરીએ રાખી હતી.
ફેસબુક તરફે હાજર રહેલ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેઓ ફક્ત મધ્યસ્થીઓ છે. જેમની આમાં કોઈ ભૂમિકા નથી કારણ કે કથિત ન્યુઝ મીડિયા હાઉસો દ્વારા રજૂ કરાયો હતો. જો અમને આ લેખો દૂર કરવા માટે કહેવામાં આવશે તો અમે એ લેખો દૂર કરીશું.