વડોદરા, તા.૨
પાલિકાના વર્તમાન બોર્ડના છેલ્લા જાહેર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના અને ૧૦૦ જણાની મર્યાદામાં હાજરીના નિયમના લીરેલીરા ઉડયા હતા. ગાંધીનગર ગૃહ ખાતે મંગળવારે મુખ્ડમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકા દ્વારા આયોજિત ૩૪૪ કરોડ રૂપિયાના કામોના ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્તના જાહેર કાર્યક્રમમાં ૧૨૮ લોકો હાજર રહ્યા હતા. જે લોકોના લગ્નમાં ભીડ ચેક કરવા ડોકિયા કરતા તંત્રને દેખાયા ન હતાહ્
ગાંધીનગર ગૃહ ખાતે મંગળવારે સવારે ૯ઃ૩૦ વાગ્યે પાલિકાના વર્તમાન બોર્ડનો છેલ્લો જાહેર કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર થી ઇ લોકાપર્ણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું હતું. આ ટાણે વડોદરામાં મંચ પર મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજન ભટ્ટ, મેયર ડો.જીગીશા શેઠ અને મ્યુ.કમિ. સ્વરૂપ પી, ૨ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, ભાજપના ૪૦ કોર્પોરેટર, શહેર ભાજપ પ્રમુખ, ૨ મહામંત્રી, અધિકારીઓ, કર્મચારીઓ, મીડિયા, સિક્યુરિટી સહિત ૧૨૮ લોકો હાજર રહ્યા હતા. પત્રકારો અને સિકયુરોટી ગાર્ડને બાદ કરીએ તો પણ ૧૧૫ લોકો હાજર રહ્યા હતા. જે સરકારની જ ૧૦૦ લોકોની છૂટથી વધારે હતા. આ ટાણે ગૃહમાં પ્રવેશ ટાણે ટેમ્પરેચર ચેક કરવાની તસ્દી લેવામાં આવી ન હતી કે હેન્ડ સેનિટાઈઝેશન કરાવવાની કાળજી પણ લેવામાં આવી ન હતી. જોકે, સોશિયલ ડિસ્ટ્ન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા રાખી હતી અને તમામે ૪૦ મિનિટ સુધી માસ્ક પહેરી રાખ્યા હતા. જેવો કાર્યક્રમ પૂરો થયો કે તરત જ તમામ સ્ટેજ પાસે ટોળું વળી જતાં નિયમનો ધરાર ભંગ થયો હતો.