(એજન્સી) કોલકાતા, તા.૩
ઓક્સફોર્ડ યુનિયન ડિબેટિંગ સોસાયટીએ પ્રતિકૂળ સંજોગોનું કારણ આપી છેલ્લી ઘડીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ઓનલાઈન ભાષણનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. જો કે શાસક તૃણમૂલ કોંગ્રેસને આ પાછળ કોઈ રાજ્કીય દબાણની ગંધ આવી રહી છે. ટીએમસીનું માનવું છે કે, ઉચ્ચ સ્તરેથી ઓક્સફોર્ડ પર દબાણ લાવી મમતાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મમતા બેનરજી બપોરે ૨ઃ૩૦ વાગ્યે ઓક્સફોર્ડ યુનિયન ડિબેટને સંબોધિત કરનાર હતા. તેઓ એવા પ્રથમ ભારતીય મુખ્યમંત્રી હતા જેઓ આ કાર્યક્રમને સંબોધિત કરનાર હતા. પણ બપોરે ૧ઃ૫૦ કલાકે આ કાર્યક્રમના આયોજકોએ વિનંતી કરી હતી કે, આ કાર્યક્રમનો નવો સમય હવે પછી જાહેર કરવામાં આવશે. આયોજકોએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ સંજોગોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમ બાદ રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, આજે બપોરે આયોજકોએ અચાનક કાર્યક્રમ રદ્દ કરવાની જાણ કરી હતી. છેલ્લી ક્ષણે તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો નવો સમય હવે પછી જાહેર કરવામાં આવશે. આયોજકોએ ફોન પર આ અંગેની માહિતી આપી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, અગમ્ય કારણોસર આ અંગે નિર્ણય લેવાયો છે. જે અંગે પાછળથી વિગતવાર માહિતી આપવામાં આવશે. જેને પગલે ઓક્સફોર્ડ યુનિયન સાથેનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. બીજી તરફ ટીએમસી નેતાગીરીએ આરોપ લગાવ્યો હતો કે, આ ઘટનાક્રમને જોતા એમ લાગે છે કે, રાજ્કીય દબાણને કારણે ઓક્સફોર્ડે આ નિર્ણય લીધો હતો. તેમની પર ઉચ્ચ સ્તરેથી રાજ્કીય દબાણ હોવાનું અનુમાન છે. જે કાર્યક્રમનું આયોજન છેેલ્લા એક માસથી ચાલી રહ્યું હતું તે કાર્યક્રમ છેલ્લી ક્ષણે મોકૂફ રાખવામાં આવે તે વાત ગળે ઉતરતી નથી. પ્રથમ વખત આવી ઘટના બની હોય તેવું નથી. આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અથવા વિદેશી મહેમાનોના પ્રવાસ રદ્દ થઈ ચૂકયા છે. આ તમામ ઘટનોઓમાં ઉચ્ચ સ્તરેથી રાજ્કીય દબાણ હતું. અને હવે નવા ઘટનાક્રમમાં પણ કંઈક આવું જ બન્યું છે.