(એજન્સી) અલ-ખલીજ ટાઈમ્સ,તા.૮
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે લગભગ ૨૦૦ ઈઝરાયેલી નાગરિકો ઈમિગ્રેશન કાયદાઓમાં થોડો ફેરફાર કરાતા ફસાયા હતા. ઇઝરાયેલના ચેનલ ૧૨ ટી.વી.એ આપેલ સમાચાર મુજબ યુએઈએ શરૂઆતમાં ઈઝરાયેલી નાગરિકોની વિઝા રદ્દ કરાતા એમને દુબઈમાં પ્રવેશતા અટકાવ્યું હતું, જ્યારે બિન ઈઝરાયેલી નાગરિકોને દેશમાં પ્રવેશવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે ઈ-વિઝા અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગેરસમજ દૂર થઇ હતી અને એમને પ્રવેશ અપાયો હતો. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમણે કહ્યું કે દુબઈ અને ઇઝરાયેલ વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી પછી મુદ્દો ઉકેલાયો હતો. પ્રવાસીઓએ વિઝા ફોર્મ ઓનલાઈન ભર્યા હતા અને એ પછી એમને દુબઈમાં પ્રવેશ અપાયો હતો. યુએઈ અને ઈઝરાયેલે સપ્ટેમ્બર મહિનામાં સંબંધો સામાન્ય બનાવ્યા પછી એમના નાગરિકોને બંને દેશોમાં વિઝા વિના પોતાના દેશોમાં પ્રવેશવા પરવાનગી આપી હતી. ફ્લાય દુબઈના પ્રવક્તાએ કહ્યું, ‘‘અમે ૧૫૫ મુસાફરો પાસેથી માફી માંગીએ છીએ જેમને અહીં પહોંચ્યા પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમે આની પાછળના કારણો શોધી રહ્યા છીએ અને મુસાફરોને જે અગવડતા થઇ એના માટે દિલગીર છીએ.” ઇઝરાયેલ અને યુએઈએ સંબંધો સામાન્ય બનાવ્યા પછી જુદા જુદા ક્ષેત્રો માટે કેટલાક કરારો કર્યા હતા જેમાં બંને દેશો વચ્ચે દરરોજ વિમાની સેવા પણ સામેલ હતી. યુએઈ ત્રીજો આરબ દેશ છે જેમણે ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો સ્થાપિત કર્યા છે. આ પહેલા ૧૯૭૯માં ઈજિપ્તે અને ૧૯૯૪માં જોર્ડને સામાન્ય સંબંધો સ્થાપિત કર્યા હતા.