અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપાઈ રહ્યું છે. જે અનુરૂપ એકમ કસોટીઓ પણ લેવાય છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી ૮માં લેવાનાર આ એકમ કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓ ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે આ પરીક્ષાની ઉત્તરવહીઓ ૬ જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે. રાજ્યમાં કોરોના મહામારીની અસર અનેક ધંધા-રોજગાર અને સેવાઓ પર પડી છે. શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાય છે. જે અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી ૮માં ડિસેમ્બર મહિનાની અંતમાં એકમ કસોટી લેવાશે. જેમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ૩૦ અને ૩૧મી ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. આ અગાઉ વિભાગ દ્વારા ૪ એકમ કસોટી યોજવામાં આવી છે. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર કસોટી લેવામાં આવી છે. ડિસેમ્બરમાં યોજાનારી એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં મોકલી આપવામા આવશે. ગુજરાતી અને ગણિત વિષયમાં લેવાનારી આ પરીક્ષા બાદ વાલીઓએ ૬ જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવાની રહેશે. જે શાળાઓ ડિસેમ્બરના અંતમાં નાતાલનું વેકેશન આપતી હોય તેવી શાળાઓ એકમ કસોટીના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. આ શાળાઓએ પણ ૬ જાન્યુઆરી સુધીમાં એકમ કસોટીની ઉત્તરવહીઓ મળી જાય તે રીતે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો રહેશે.