માયનોરિટી કો ઓર્ડિનેશન કમિટી ગુજરાતના કન્વીનર દ્વારા ડીજીપીને રજૂઆત
સાંસદ મનસુખ વસાવાએ લવજેહાદના નામે ઝેર ઓક્યું, જાણી જોઈને ખોટી માહિતીના આધારે મુસ્લિમ સમુદાય પર ખોટા આક્ષેપ કર્યા
અમદાવાદ,તા.૧૯
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને લવજેહાદના નામે ઝેર ઓકયું છે. જેના લીધે ધાર્મિક લાગણી દુભાવવા અને બે ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ગુનાહિત કૃત્ય બદલ સાંસદ વસાવા સામે એફઆઈઆર નોંધવા માયનોરિટી કો ઓર્ડિનેશન કમિટી ગુજરાતના કન્વીનરે ડીજીપીને પત્ર લખીને રજૂઆત કરી છે. કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે ડીજીપીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આપના ધ્યાનમાં લાવવાનું કે સાંસદ મનસુખ વસાવા તરફથી ગુજરાતના સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં મુસ્લિમ ધર્મના લોકો વિરૂદ્ધ લવ જેહાદના નામે ઝેર ઓકવામાં આવ્યું છે. સાહેબ આપના ધ્યાને લાવવાનું કે આ પત્રમાં આરોપ લગાવાયો છે કે મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને વિવિધ પ્રકારની લાલચ આપીને તેમની સાથે લગ્ન કરતા હોય છે. આમ મુસ્લિમો પહેલેથી જ બે ત્રણ પત્ની ધરાવતા હોય છે અને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવતા હોય છે. આ લવ જેહાદનું કૃત્ય કરવા માટે તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે તેમજ આ બાબત તેમને સંગઠનો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા તાલીમ આપવામાં આવે છે તેમજ આ બાબત તેમને સંગઠનો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા જાણવા મળી છે. ઉપરોકત આરોપો બિલકુલ પાયાવિહોણા અને એક રાજકીય ષડયંત્રના ભાગ રૂપે રાજયમાં સામાજિક સૌહાર્દનો માહોલ બગાડવા માટે શાંતિ સુલેહ ભંગ કરવા માટે અને બે ધર્મો વચ્ચે અવિશ્વાસ/સૌહાર્દને ભંગ કરવાનું કાવતરૂં છે. કારણ કે તેઓ એ મુસ્લિમ સમુદાય વિશે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે જે બાબતનું તેઓ પાસે કોઈ પ્રમાણ નથી ઉભી કરેલ જૂઠી બાબતોને તેઓએ પત્રમાં લખી છે. મનસુખ વસાવા કે જેઓ માનનીય સાંસદ છે અને તેઓને ભરૂચ લોકસભાના લોકોએ બહુમતીથી ચૂંટેલ છે, તેઓની આવી શંકાશીલ વિચારધારા પર અફસોસ થાય છે કારણ કે ઈસ્લામમાં જેહાદ શબ્દ એ ખુબજ પવિત્ર શબ્દ છે અને તેનો અર્થ સંઘર્ષ થાય છે તેઓ સાંસદ છે અને કોઈપણ મદ્રેસામાં જઈને તેઓ જો આ શબ્દ જેહાદની અર્થ પૂછતા તો તેઓને માહિતી મળી શકત કે ઈસ્લામમાં સંઘર્ષનું શું મહત્વ છે અને તેનો ઉપયોગ કોઈપણ ખોટા કામ માટે થઈ શકે નહીં. સાંસદ થઈને તેઓ વગર તપાસે અમુક સંગઠનો અને આગેવાનોની વાતોમાં ભરમાઈ ગયા જયારે તેઓ પોતે જ આ ડેટા મેળવી શકતા કે કેટલા મુસ્લિમોએ આદિવાસી હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. ત્યાર બાદ આવા ખોટા આરોપોને પોતે જ ખોટા સાબિત કરી શકતા પરંતુ તેઓએ જાણી જોઈને ખોટી માહિતીના આધારે મુસ્લિમ સમુદાય પર ખોટા આક્ષેપો કર્યા છે જે એક ગુનાહિત કૃત્ય છે. સાંસદ વસાવાનો પત્ર આઈપીસી ઘણી બધી કલમો મુજબ ગંભીર અપરાધ છે. તેમજ ભારતીય બંધારણના આર્ટિકલ પ૧ અ(ચ)માં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે દેશના દરેક નાગરિકની ફરજ છે કે તે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુતાની ભાવનાની વૃદ્ધિ કરે. સાંસદ સભ્ય હોવા છતાં બંધારણનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યો છે. કૃત્યને અતિ ગંભીર બનાવે છે. સાંસદના આ પત્રથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. એટલે અમો આપથી અનુરોધ કરીએ છીએ કે સાંસદ ભરૂચ મનસુખ વસાવા વિરૂદ્ધ આઈપીસીની યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે. એમ મુજાહિદ નફીસે જણાવ્યું છે.
૨૪ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છતાં ગરીબીથી આદિવાસીઓને દીકરીઓ વેચવી પડે તો સાંસદ રાજીનામું આપે
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને લવ જેહાદ મામલે કડક કાયદો બનાવવા માટે રજૂઆત કરતા તેમના પત્રના ત્રીજા પેરામાં તેઓ લખે છે કે, “ગુજરાતમાં ગરીબ પરિવાર અને ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓની ગરીબીનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે તેવા વિસ્તારોમાં વેચવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એજન્ટોની ટીમ સક્રિય છે.” મનસુખ વસાવાને આટલી બધી વિગતે આ માનવ તસ્કરીની ખબર છે અને આ માટે એક ખાસ કાયદો અમલમાં છે તો તેમની વિગતે પૂછપરછ કરીને વધુ વિગતો મેળવી ને આવા એજન્ટોની ધરપકડ કરવામાં આવે. મનસુખ વસાવાને ધ્યાને લાવવાનું કે, ગુજરાતમાં છેલ્લા ૨૪ વર્ષોથી ભાજપ સરકાર છે અને હજુ પણ આદિવાસી લોકોની હાલત એવી છે કે ગરીબીના કારણે તેઓને પોતાની બેન-દીકરીઓને વેચવી પડે છે. તો આ સરકારે આદિવાસીઓનો વિકાસ ના કરી શકવા બદલ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને ખાસ કરીને મનસુખ વસાવા તો એક આદિવાસી નેતા હોવાના કારણે પોતાના સમાજની આવી ખરાબ હાલત જોઈને શરમથી જ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. એમ ડીજીપીને પાઠવેલા પત્રમાં માયનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનરે જણાવ્યું છે.