Site icon Gujarat Today

તંત્રીલેખ :- મહામારી સામે બેદરકારી ખૂબ ભારે પડી શકે

 

કોરોનાના અત્યારે પણ દરરોજ ર૦ હજારથી વધુ કેસ દાખલ થઈ રહ્યા છે. દરરોજ મૃત્યુ પામનારાઓની સંખ્યા ૩૦૦થી વધુ જ થઈ રહી છે. અત્યાર સુધી તેનાથી ૧ લાખ ૪પ હજાર લોકોનાં મોત થયા છે. એ વાત સાચી છે કે પીડિતોના સ્વસ્થ થવાનો દર આપણે ત્યાં બીજા દેશોની સરખામણીમાં ઘણો સારો છે.
પરંતુ અત્યારે પણ એવા દર્દીઓની સંખ્યા હજારોમાં છે, જેમની સારવાર ચાલી રહી છે. એટલે કે અત્યારે સ્થિતિ જોખમથી બહાર નથી. કેટલાક દેશોએ કોરોનાની રસી બનાવી લીધી છે. કેટલાક સ્થળોએ લગાવવામાં પણ આવી રહી છે. આપણે ત્યાં પણ તેનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે આગામી મહિને રસીકરણની પ્રક્રિયા કદાચ શરૂ થઈ શકે.
પરંતુ તેની અસર અંગે અંતિમ સ્વરૂપે કોઈ દાવો થઈ શક્યો નથી. માટે આપણે ત્યાં પણ નિષ્ણાંતોનો અંદાજ છે કે કોરોના પર નિયંત્રણ મેળવવામાં ઓછામાં ઓછા વધુ છ મહિના લાગી શકે છે પરંતુ ચોંકાવાની વાત છે કે તેનાથી બચાવના ઉપાયો અંગે લોકો ખૂબ જ બેદરકાર દેખાઈ રહ્યા છે.
આ સાચું છે કે કોરોનાની ગતિ પહેલાથી ઘણી ઓછી થઈ છે. હવે તે ઘટતો જઈ રહ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે સમાપ્તિ તરફ છે. જર્મની જેવા કેટલાક દેશ તેના ઉદાહરણ છે, જ્યાં કોરોનાની નવી લહેર આવી અને ત્યાં ફરી સખ્તાઈથી લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. આપણે ત્યાં પણ પાછલા દિવસોમાં દિલ્હીમાં ચિંતાજનક રીતે તેનો પ્રસાર શરૂ થયો હતો. અત્યારે પણ કેટલાક શહેર જોખમથી બહાર નથી. માટે નજીવી બેદરકારી પણ મહામારીને ફરીથી પગ પસારવાની તક આપી શકે છે.
ઉદ્યોગ-ધંધા અને વેપારી ગતિવિધિઓને ખોલવી એટલા માટે જરૂરી હતું કે તેના વગર અર્થવ્યવસ્થાને સંભાળવી સંભવ નથી. આ પરવાનગી આ શરતની સાથે આપવામાં આવી છે કે લોકો પોતે સાવધાની રાખતા પોતાના રોજબરોજના કામ કરે. પરંતુ કેટલાક લોકોએ લોકડાઉન ખૂલવાનો અર્થ સમજી લીધો છે કે કોરોનાનું જોખમ સમાપ્ત થઈ ગયું માટે ઘણા બધા લોકો મોઢું અને નાક ઢાંકયા વિના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના બજારો, જાહેર સ્થળો પર ભીડ લગાવતા જોવા મળે છે. જાહેર વાહનોમાં પહેલાં જેવી જ ભીડ જોવા મળી રહી છે.
આ વાત છૂપી નથી કે આપણે ત્યાં જાહેર આરોગ્ય સેવાઓની બધા સુધી સરળ પહોંચ નથી. તે ઉપરાંત લોકો બીમારીઓ અંગે સામાન્ય રીતે બેદરકાર જોવા મળી રહ્યા છે. માટે સંપૂર્ણ દેશમાં તપાસની ગતિ અત્યારે પણ અપેક્ષિત દેખાઈ રહી નથી. નિષ્ણાંતોનું માનવું છે કે રજૂ આંકડાઓથી વધુ લોકો આ રોગથી પીડિત થયા, પરંતુ પ્રતિરોધક ક્ષમતા મજબૂત હોવાના કારણે પોતે સ્વસ્થ થઈ ગયા.
આ તથ્ય અંગે સંતોષ જરૂર કરી શકાય છે, પરંતુ તેને ખતરનાક સ્થિતિ પણ માનવી જોઈએ. કારણ કે અંદાજ છે કે જો કોઈ વ્યક્તિ કોરોના પીડિત થાય છે તો તે પોતાના સંપર્કમાં આવનારા ઓછામાં ઓછા ર૦ લોકોને પીડિત કરી દે છે, ચોક્કસ તે પોતે સ્વસ્થ થઈ જાય. માટે અત્યારે કોઈ પણ પ્રકારની બેદરકારી ફરીથી જોખમને વધારી શકે છે. લોકો પાસે પોતે સાવધાની રાખતા ઈન્ફેકશનથી બચવાની અપેક્ષા અત્યારે લાંબા સમય સુધી જળવાઈ રહેશે.

Exit mobile version