ભાવનગર, તા.ર૪
ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંચેક વર્ષથી ભળેલા તરસમિયા ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. છેલ્લા બારેક દિવસથી પીવાનું પાણી પણ નહીં મળતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે ૪ઃ૦૦ કલાકે તરસમિયા ગામે માટલા ફોડી વિરોધ કરાયો હતો. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કૃષિ બિલ પસાર કર્યું છે, તેનું ખેડૂતો દ્વારા દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભાવનગર કોંગ્રેસ પક્ષ દ્વારા તરસમિયા ગામે કૃષિ બિલની હોળી કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શિત કરેલ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ-રીતિ સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ. મ્યુનિ. વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, કોંગ્રેસના પૂર્વ નગરસેવકો, પદાધિકારીઓ હોદ્દેદારો કોંગ્રેસના જુદા-જુદા સંગઠનના આગેવાન કાર્યકરો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી ભરતનગર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.