(એજન્સી) તા.૨૫
જંગલના માર્ગે ચાલીને તિરૂમલા મંદિરે જનારા બે યાત્રીઓ બેભાન થઈ ગયા હતા. જો કે, તેમની વહારે એક મુસ્લિમ જવાન આવ્યો હતો, તે એક પોલીસ કોન્સ્ટેબલ છે. આ પોલીસ કોન્સ્ટેબલની ઓળખ શેખ અરશદ તરીકે થઈ હતી. અરશદે યાત્રીને ખભા પર ઊંચકી આશરે ૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ ઘટના બુધવારે બની હતી જેની ભારે પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ઓછા શ્રદ્ધાળુઓ જંગલના માર્ગે ચાલીને તિરૂમલા ભગવાન બાલાજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે. બુધવારે અમુક યાત્રીઓ પર્વત પર જંગલના માર્ગે ચાલીને આગળ વધી રહ્યા હતા. ત્યારે આ બે યાત્રીઓ બેભાન થઈ ગયા હતા, તે સમયે અરશદ નામનો પોલીસ કોન્સ્ટેબલ ત્યાં તહેનાત હતો તે જ આ બંનેની વહારે આવ્યો હતો. નાગેઆવરમ્માને આ દરમિયાન પર્વત પર ચઢતી વખતે બ્લડ પ્રેશર વધી જવાની સમસ્યા સર્જાઈ હતી. અરશદે આ દૃશ્ય જોઈ લીધો હતો. ગાઢ જંગલમાં પોતાના ખભા પર ઊંચકીને અરશદ જ તેમને બચાવી લાવ્યો હતો. ત્યારબાદ રોડ પર પહોંચીને ત્યાંથી વાહન મારફતે તેમને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.