(એજન્સી) તા.૨૬
અભિનેતામાંથી રાજનેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે ડૉક્ટરોનું કહેવું છે કે તેમની રિકવરી સારી રીતે થઇ રહી છે. જોકે હજુ પણ તેમનું બ્લડ પ્રેશર હાઈ જ છે. ૭૦ વર્ષીય મેગાસ્ટાર હૈદરાબાદમાં હાલમાં અન્નાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ કોરોના વાયરસથી પીડિત ચાર સભ્યો મળી આવતા આ ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. રજનીકાંતે પણ મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હૈદરાબાદની એપોલો હોસ્પિટલે આ માહિતી આપી હતી. અપોલો હોસ્પિટલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે રજનીકાંતની હાલતમાં હવે સુધારો થઇ રહ્યો છે. તેમનું બ્લડ પ્રેશર હજુ પણ ઉપર જ છે. જોકે ગત દિવસોની તુલનાએ તેમની હાલતમાં સારો સુધારો થયો છે. હજુ તેમની તપાસ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કોઈ ચેતવણી જનક બાબત પણ નથી. આજે તેમની ફરી તપાસ કરવામાં આવશે અને ડૉક્ટરો તે અંગે રિપોર્ટ જારી કરાશે. તેમને હાલ સંપૂર્ણ રીતે આરામ કરવા નિર્દેશ અપાયો છે અને તેમને મુલાકાતીઓને મળવાની પણ ના પાડવામાં આવી છે. જોકે આજ સાંજ સુધીમાં તેમને રજા આપવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામીએ કહ્યું કે અમે ૭૦ વર્ષીય સુપરસ્ટાર રજનીકાંતના જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ. અમે તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી છે.