અમદાવાદ, તા.૧
રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આગામી એક-બે દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોની દિશા બદલાતા આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેરની અસર ઓછી થશે. શુક્રવારના રોજ અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. જેને પગલે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. વળી આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતા છે જેને પગલે ઉત્તર ગુજરાતમાં માવઠું પણ થઈ શકે છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં લઘુતમ તાપમાન ૭.ર ડિગ્રી, જ્યારે ભૂજમાં ૮.૬, કેશોદમાં ૯.ર, રાજકોટ અને કંડલા એરપોર્ટમાં ૧૦.૧, કંડલા પોર્ટમાં ૧૧.૪, વલસાડમાં ૧૧.પ, ડીસા, સુરેન્દ્રનગર અને પોરબંદર ખાતે ૧ર.૦, અમરેલીમાં ૧ર.ર, વડોદરામાં ૧૪.૦, ગાંધીનગર ખાતે ૧૪.પ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧પ.૦ ડિગ્રી નોંધાયું હતું. આમ લઘુતમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો છે. જો કે, દિવસ દરમિયાન ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે આગામી બે દિવસ બાદ વાતાવરણના પલટા બાદ ફરી એકવાર ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે તેવી શકયતા છે. જ્યારે માવઠાની આગાહીને પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ જે ઠંડી છે તે શિયાળુ પાક માટે ઉત્તમ ગવણાય છે ત્યારે માવઠાનો ખતરો ટળી જાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા ખેડૂતોને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાકની નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા પણ જણાવાયું છે. બીજી તરફ શિયાળામાં તાપમાનની સતત વધઘટને જોતા કાતિલ ઠંડીના ચમકારા વચ્ચે સાવચેતી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે.